સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં લીંબાડા ગામની સીમમાં વીજપોલ પર કામગીરી કરતા યુવકને કરંટ લાગતા ગંભીર રીતે દાઝી ગયો હતો. મળતી માહિતી મુજબ, તરસાડી ખાતે સંજયનગર જૂની જીઈબી સામે રહેતા ૨૧ વર્ષીય મેહુલભાઈ જયંતિલાલ વસાવા વાયરિંગ કામ સાથે સંકળાયેલા છે. તેઓ લીંબાડા ગામની સીમમાં દિલીપસિંહ ગોહિલના ખેતરે આવેલા વીજ પોલ પર કામ કરી રહ્યા હતા.
આ વીજ પોલ કોસંબા ડીજીવીસીએલનાં વેલાછા સબ સ્ટેશનથી પસાર થતી ૧૧ કે.વી. એગ્રીકલ્ચર લાઈન હેઠળ આવે છે. ત્યાં વીજ થાંભલા પર જમ્પર જોઈન્ટ કરતી વેળાએ અચાનક વીજતાર અડી જતા જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે મેહુલભાઈના શરીરે ઓછી-વત્તી ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઘટના બનતા જ તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર અર્થે તરસાડીની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ગંભીર સ્થિતિને ધ્યાને રાખી વધુ સઘન સારવાર માટે તેમને સુરતની નિર્મલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર બનાવની જાણ કામરેજ પોલીસને કરાતા પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)


