વલસાડ જિલ્લાનાં ઉમરગામ તાલુકાનાં જંબુરી ગામે ઘરકામ અને કામધંધા બાબતે વારંવાર થતાં ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે પત્ની દ્વારા ઘરકામમાં મદદ ન કરવા અને કામધંધો ન કરતા હોવાનું કહેતા ગુસ્સામાં આવી પતિએ જ પત્નીને માથાના ભાગે લોખંડની પરાઈ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ સારવાર દરમિયાન હોસ્પિટલમાં મહિલાનું મોત નીપજ્યું હતુ. મળતી માહિતી મુજબ, ઉમરગામ તાલુકાનાં જંબુરી છીપાવાડ ખાતે રહેતા દાજીભાઈ મણીયાભાઈ હળપતિ અને તેમના પત્ની વનિતાબેન દાજીભાઈ હળપતિ વચ્ચે અગાઉથી ઘરકામ અને કામધંધો ન કરવા બાબતે બોલાચાલી તથા ઝઘડા થતા હતા.
તે દરમિયાન રવિવાર નારોજ વહેલી સવારે ઘરમાંથી કોઈ ઝઘડતા હોવાનો અને જોરથી બૂમ પડતા બાજુના રૂમમાં રહેતા પુત્ર પ્રવીણભાઈ અને તેમના પરિવારના સભ્યો જાગી ગયા હતા. તેઓએ બહાર આવીને પિતા દાજીભાઈના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ દરવાજો ખોલ્યો ન હતો. તે સમયે જ મૃતકના નણંદ મંજુબેન પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને સૌએ મળીને દરવાજો ખખડાવતા અંતે દરવાજો ખોલ્યો હતો.
ત્યારબાદ અંદર જઈને જોતા વિનતાબેન લોહી લુહાણ હાલતમાં નીચે જમીન પર પડેલા હતા. જેથી પૂછપરછ કરતા દાજીભાઈએ કબૂલ્યું હતું કે, ઘરકામ બાબતે ઝઘડો થતા ઉશ્કેરાઈને તેણે લોખંડની પરાઈ વડે પત્નીના માથાના ભાગે ઘા મારી દીધો હતો. પરિવારજનો અને આસપાસનાં લોકો વિનતાબેનને લોહીલુહાણ હાલતમાં વાપીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. તે દરમિયાન ફરજ પરના તબીબે વનિતાબેનને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પુત્ર પ્રવીણભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે પોતાની જ પત્નીની હત્યા કરનાર પતિ દાજીભાઈ હળપતિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)


