સુરત જિલ્લાનાં કડોદરા ખાતે સાડી મેન્યુફેક્ચરિંગનો વેપાર કરતા એક વેપારી સાથે બે દલાલો અને ત્રણ વેપારીઓએ ભેગા મળીને રૂપિયા ૪૨.૫૨ લાખની છેતરપિંડી કરી ઘટના પોલીસ મથકે નોંધવામાં આવી હતી. વેપારી પાસેથી માલ મેળવી લીધા બાદ નિર્ધારિત સમયમાં પેમેન્ટ ન ચૂકવી દુકાનો અને ફોન બંધ કરી ફરાર થઈ જતાં કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ મથકે પાંચ ઈસમો સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, કતારગામ ખાતે રહેતા અને કડોદરામાં અકળામુખી હનુમાન મંદિર પાસે ‘ક્રિષ્ના ટેક્ષટાઈલ’ તથા ‘શ્રીરામ ક્રિષ્ના ફેશન’ નામની પેઢી ધરાવી સાડી મેન્યુફેક્ચરિંગ કરતા અલ્પેશભાઈ ધીરુભાઈ સાવલીયા સાથે આ ગાહતના બની હતી. ચાર મહિના અગાઉ દલાલ સત્યનારાયણ ગેહલોત અને દલાલ કેયુરે અલ્પેશભાઈને સારો નફો કરાવી આપવાની અને સમયસર પેમેન્ટ ચૂકવવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધા હતા.
ત્યારબાદ બંને દલાલોએ અલ્પેશભાઈની મુલાકાત ત્રણ અલગ-અલગ પેઢીના વેપારીઓ સાથે કરાવી હતી. જેમાં કરિશ્મા ફેશનના પ્રોપ્રાઈટર તેજારામ ચબરવાલ (અંજનીનંદન માર્કેટ, ગોડાદરા-સારોલી)ને રૂપિયા ૧૦,૧૦,૫૨૦/-ની સાડીઓ, અજય ક્રિએશનના પ્રોપ્રાઈટર અજય સુરેશકુમાર ડયામા (આર.આર.ટી.એમ.-૧ માર્કેટ, સારોલી)ને રૂપિયા ૧૫,૮૦,૯૫૪/-ની સાડીઓ તથા અભયમ એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાઈટર કુણાલ જનક શાહ (રહે.ક્રિષ્ના ટેક્ષટાઈલ માર્કેટ, રીંગરોડ)ને રૂપિયા ૧૬,૬૦,૭૦૨/-ની સાડીઓ અને કાપડ મળી કુલ રૂપિયા ૪૨,૫૨,૧૭૬/-નો માલ ૨૦થી ૨૫ દિવસમાં પેમેન્ટ ચૂકવવાની શરતે મોકલાવાયો હતો.
માલ લીધા બાદ નિયત સમયમર્યાદા વીતી જવા છતાં વેપારીઓએ પેમેન્ટ કર્યું નહોતું. અલ્પેશભાઈએ નાણાંની માંગણી કરતાં ત્રણેય વેપારીઓએ વાયદાઓ કર્યા હતા અને ત્યારબાદ ત્રણેય વેપારીઓ તેમજ બંને દલાલો પોતાના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી તથા દુકાનો બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતાં અલ્પેશભાઈ સાવલીયાએ કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ મથકમાં દલાલ સત્યનારાયણ ગેહલોત, દલાલ કેયુર, વેપારી તેજારામ ચબરવાલ, અજય સુરેશકુમાર ડયામા અને કુણાલ જનક શાહ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. (સૌજન્ય)


