સુરત જિલ્લાનાં પાલોદ પોલીસની હદમાં આવેલ નવાપરા વિસ્તારની પલ્લવી ફેક્ટરીમાં સાથે કામ કરતા કર્મચારીઓ વચ્ચે કામકાજ બાબતે સર્જાયેલ તકરારની અદાવતમાં ત્રણ સહકર્મીઓએ એક યુવક પર લોખંડનાં સળિયા વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશનાં વતની અને હાલ પાલોદ ખાતે જે.બી. રો-હાઉસમાં રહેતા સુમનપ્રસાદ ગણેશપ્રસાદ યાદવનાં પુત્ર શુભમ યાદવ સાથે નવાપરા સ્થિત પલ્લવી ફેક્ટરીમાં કામ કરતા ગૌતમ તિવારી વચ્ચે અગાઉ કામ બાબતે ઉગ્ર બોલાચાલી તેમજ ધક્કામુક્કી થઈ હતી. આ બનાવની મનમાં અદાવત રાખીને ગૌતમ તિવારી બદલો લેવાની ફિરાકમાં હતો.
શુભમ જ્યારે સાનિધ્ય સોસાયટી નજીકથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે આરોપીઓએ તેને રસ્તામાં જ આંતરી લીધો હતો. આ દરમ્યાન આરોપી શંકર તેમજ સુમિત તિવારીએ શુભમને પકડી રાખ્યો હતો, જ્યારે મુખ્ય આરોપી ગૌતમ તિવારીએ ઉશ્કેરાઈને લોખંડનાં સળિયા વડે શુભમનાં માથામાં તેમજ શરીરના અન્ય ભાગો પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. આ ઉપરાંત આરોપીઓએ તેને ઢીક્કામુક્કીનો બેફામ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવકનાં પિતા સુમનપ્રસાદ યાદવે પાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેનાં આધારે પોલીસે લીંડીયાત પાટિયા ખાતે રહેતા ગૌતમ તિવારી, શંકર તેમજ અન્ય સાથીદાર સુમિત તિવારી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)


