વલસાડ જિલ્લાનાં ઉમરગામના નવીનગરીની સામે દરિયાકિનારે રવિવારની બપોરે દરિયામાં નાહવા પડેલા ૬ બાળમિત્રો પૈકી એક ૧૨ વર્ષના બાળકનું ભરતીના ધસમસતા પ્રવાહમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતુ. જ્યારે અન્ય પાંચ બાળકોનો આબાદ બચાવ થયો હતો. મૃતક બાળક સહિત તમામ મિત્રો ઉમરગામના સુંદરવન વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ, ઉમરગામના સુંદરવન વિસ્તારમાં રહેતા આશરે ૧૦થી ૧૨ વર્ષના કુલ છ બાળમિત્રો દરિયા કિનારે ફરવા આવ્યા હતા. બપોરના સમયે દરિયામાં ભારે ભરતીનો સમય હતો.
જોકે દરિયાના મોજા જોઈ ઉત્સાહમાં આવી ગયેલ બાળકો દરિયાના પાણીમાં નાહવા પડયા હતા. દરિયાઈ ભરતીના મોજાંમાં બાળકો પાણીના ઊંડા વહેણમાં તણાવા લાગ્યા હતા. બાળકો પાણીમાં ખેંચાવા લાગતા અન્ય ચાર બાળકો જેમ-તેમ કરીને બહાર નીકળી ગયા હતા, ત્યારબાદ બાળકોએ બૂમાબૂમ કરતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ દરિયામાં ઝંપલાવીને એક બાળકને સલામત રીતે બહાર કાઢી લીધો હતો. પરંતુ સાઈ બબલુ મિશ્રા નામનો બાળક ભરતીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
ઘટના અંગે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા કાફ્લો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક કુશળ તરવૈયાઓ અને બોટની મદદથી દરિયામાં ગરકાવ થયેલા સાઈની શોધખોળ કરવામાં આવી હતી. આશરે દોઢથી બે કલાકની શોધખોળ બાદ સાઈનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો.(સૌજન્ય)


