સુરત જિલ્લાનાં બારડોલી તાલુકાનાં બાબેન ગામનાં સંજયનગર કાલિબસ્તીમાં રહેતાં રવિ ઉર્ફે બટકો શ્યામભાઈ મોહિતેનો સુગર રેલવે ફાટક નજીક એક અજાણ્યા શ્રમજીવી સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. તે દરમિયાન રવિ ઉર્ફે બટકો મોહિતે ૩૫ વર્ષિય અજાણ્યા પુરૂષે ચપ્પુ વડે મરણતોલ ઘા ઝીંકી દેતા ગંભીર ઈજાઓના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ આરોપી રવિ ઉર્ફે બટકો મોહિતેએ ગુનો છુપાવવાના પ્રયાસરૂપે મૃતદેહને સાયકલ પર મૂકી અસ્તાન ગામની સીમમાં નહેરના કિનારે ઝાંડીઝાંખરામાં ફેંકી દીધો હતો. આ દરમિયાન બારડોલી રેલવે પોલીસને ઘટનાની જાણ થતાં ફરજ પરના જમાદારે તપાસ શરૂ કરી હતી. રસ્તા પર પડેલ લોહીના ટીંપાના આધારે પોલીસ મૃતદેહ સુધી પહોંચી હતી. ઘટનાને ધ્યાને લઈ સ્થાનિક પોલીસ તથા રેલવે પોલીસ અને જિલ્લા એલ.સી.બી.ની ટીમ બારડોલી ખાતે એકત્ર થઈ હતી.
પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હત્યાનાં આરોપમાં રવિ શ્યામ મોહિતેને પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ મૃતકનું નામ કે ઓળખ જાણતો ન હોવાનું જણાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે મૃતકની ઓળખ મેળવવી પોલીસ માટે પડકારરૂપ બની છે. આ દરમિયાન બારડોલી રેલવે પોલીસ સ્ટેશન ખાતે બનાવના સ્થળ અને પોલીસ હદ અંગે ચર્ચા બાદ હત્યાની ઘટના બારડોલી ટાઉન પોલીસ મથકની હદમાં બન્યાનું નક્કી થતાં ટાઉન પોલીસે તપાસ અને આરોપીની પુછપરછ શરૂ કરી હતી.
આ પુછપરછ દરમિયાન આરોપી રવિ ઉર્ફે બટકો મોહિતેએ જણાવ્યું હતું કે, અજાણ્યા ઈસમના મૃતદેહને તે તેની ત્રણ પૈડાવાળી સાયકલમાં મુકી દવાખાને લઈ જવાનું કહી અસ્તાન નહેર પાસે આવેલ વિક્રમ સારાભાઈ સ્કૂલ પાસે બાવળીયાની ઝાંડીઝાંખરામાં લાશને ફેંકી દઈ તેની સાયકલ પર પડેલ લોહીના ડાથા નહેરના આ પાણીથી ધોઈ પુરાવાનો નાશ કર્યો હતો. તેમજ જે ચપ્પુ વડે ઘા કર્યા તે ચપ્પુ પોતાની પાસે રાખી લીધું હતું. બનાવ અંગે પોલીસે આરોપી વિરૂદ્ધ ખુનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)


