સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં તાતીથૈયા ગામમાં આવેલી સિદ્ધિ વિનાયક મિલના બોઈલર વિભાગમાં ફરજ બજાવતા એક આધેડ કર્મચારી બોઈલર ચેક કરી રહ્યા હતા તે સમયે અચાનક ગરમ હવા લીક થતાં આખા શરીરે દાઝી ગયા હતા. મળતી માહિતી મુજબ, મૂળ હરિયાણાનાં હિસાર જિલ્લાનાં ભોજરાજ ગામના વતની અને હાલમાં પલસાણાના બગુમરા ખાતે માનસી રેસિડેન્સીમાં રહેતા અજયકુમાર ધુપસિંગ ખલેરીએ પોલીસને જાણ કરી હતી કે, તારીખ ૪ ઓક્ટોબરે સાંજનાં અરસામાં તેમના ૬૧ વર્ષીય પિતા ધુપસિંગ કુરડારામ ખલેરી સિદ્ધિ વિનાયક મિલના બોઈલર વિભાગમાં કામ કરી રહ્યા હતા.
તે સમયે બોઈલર ચેક કરતી વેળાએ અકસ્માતે તેમાંથી ગરમ હવા લીકેજ થઈ હતી, જેના કારણે ધુપસિંગભાઈને શરીરના ભાગે દાઝી જવાથી ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે તારીખ ૭ ઓક્ટોબર નારોજ બપોરે કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અકસ્માતનું ચોક્કસ કારણ અને ઔદ્યોગિક સુરક્ષામાં કોઈ ખામી હતી કે, કેમ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી.(સૌજન્ય)


