સુરત જિલ્લાનાં માંડવી તાલુકામાં રહેતી અને બેંકમાં ફરજ બજાવતી એક મહિલાને સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કરવી ભારે પડી હતી. લંડનથી આઈફોન, સોનાની ઘડિયાળ અને ડાયમંડ નેકલેસ જેવી મોંથી ગિફ્ટ મોકલવાની લાલચ આપીને સાયબર ભેજાબાજોએ અલગ અલગ બહાને રૂપિયા ૩.૭૩ લાખ પડાવી લીધા હતા. મળતી માહિતી મુજબ, માંડવીનાં ફૂલવાડી ગામમાં રહેતી અને વાંકલની બેંકમાં નોકરી કરતી મહિલાએ ફેસબુક પર રીલ્સ જોઈ શખ્સ સાથે સંપર્ક કરતા તે લંડનમાં રહેતો હોવાનું જણાવી મિત્રતા કેળવી હતી અને આઇફોન ૧૭ પ્રો, ડાયમંડ નેકલેસ, સોનાની ઘડિયાળ અને વિદેશી ચલણ ગિફ્ટમાં મોકલવાની લાલચ આપી હતી.
વિશ્વાસ જીતવા માટે ગુનેગારે કુરિયર સર્વિસની નકલી સ્લીપ પણ વોટ્સએપ પર મોકલી હતી. બીજા દિવસે ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ નારોજ દિલ્હી એરપોર્ટ કુરિયર સર્વિસના નામે અન્ય એક અજાણ્યા નંબર પરથી મહિલાને ફોન આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું હતું કે, પાર્સલ દિલ્હી એરપોર્ટ પર પહોંચી ગયું છે, પરંતુ કુરિયર ચાર્જ, ડોલર એક્સચેન્જ ચાર્જ, પાર્સલ વેરિફિકેશન અને મોંઘા ઘરેણાં હોવાથી સિક્યોરિટી ચાર્જ વગેરે ચૂકવવા પડશે. ઠગબાજોની વાતોમાં આવી ગયેલા સુજાતાબેને તારીખ ૧૧ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં ગૂગલ પે, ફોન-પે અને અન્ય માધ્યમો દ્વારા ટુકડે-ટુકડે ભેજાબાજોએ મોકલેલા અલગ-અલગ ક્યુઆર કોડ અને બેંક એકાઉન્ટમાં મળી કુલ રૂપિયા ૩,૭૩,૦૦૦/- ટ્રાન્સફર કર્યા હતા.
આ રકમ મહિલાએ પોતાની બચત ઉપરાંત માંડવી બજારમાંથી અને મિત્ર પાસેથી ઉછીના લઈને જમા કરાવી હતી. લાખો રૂપિયા ચૂકવ્યા બાદ પણ કુરિયરવાળા વધુ પૈસાની માંગણી કરતા રહ્યા અને પાર્સલની કોઈ ડિલિવરી ન થતાં મહિલાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આખરે તેમણે સાયબર હેલ્પલાઈન પર ઓનલાઈન અરજી કરી હતી અને ૭ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ માંડવી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ગુનેગાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.(સૌજન્ય)


