વલસાડ એલ.સી.બી. પોલીસની ટીમે બાતમીને આધારે બગવાડા ટોલનાકા નજીકથી દારૂ ભરેલ અર્ટિગા કાર ઝડપી પાડી હતી. આમ, પોલીસે કારમાંથી રૂપિયા ૨,૬૩,૨૮૦/-નો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસને બાતમી મળી હતી કે, એક સફેદ અર્ટિગા કારમાં ચોરખાનાં બનાવી દારૂ ભરવામાં આવ્યો છે અને તે વાપીથી સુરત તરફ જઈ રહી છે. બગવાડા ટોલનાકા પાસે પોલીસે કારને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે કાર ઉભી ન રાખી પારડી તરફ હંકારી મૂકી હતી. આમ, પોલીસે પીછો કરતાં કાર મોતીવાડા, હનુમાન મંદિર, બે માઈલ ચાર રસ્તા થઈ ઉદવાડા તરફ પહોંચી હતી.
દરમિયાન ઉદવાડા ખાતે રોયલ પાર્ક નજીક ચાલકે કાર ધીમી કરી દરવાજો ખોલી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને કાર ઝાડ સાથે અથડાઈ જતાં પોલીસે તેનો પીછો કરી ચાલકને ઝડપી પાડયો હતો. ઝડપાયેલા ચાલકની ઓળખ રમેશ શાંતિલાલ પદમાજી કટાર (રહે.બંદરીયા,તા.ખેરવાડા,જિ.ઉદયપુર,રાજસ્થાન) તરીકે થઈ છે. કારની સીટના નીચે બનાવેલ ચોરખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા ૨.૬૩ લાખનો દારૂ, ઉપરાંત રૂપિયા ૮ લાખની અટિંગા કાર અને રૂપિયા ૫ હજારનો મોબાઈલ ફોન, મળી કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં કાર પર લગાવેલો નંબર ખોટો હોવાનું તથા ચેસીસ નંબરના આધારે કારનો સાચો રજીસ્ટ્રેશન નંબર અલગ હોવાનું બહાર આવ્યું હતું.
વધુ પૂછપરછમાં આરોપીએ દારૂનો જથ્થો દમણથી અમદાવાદ લઈ જવાનો હોવાનું અને શંકર જોષી તથા વિક્રમ નામના શખ્સો સ્વિફ્ટ કારમાં આગળ પાઇલોટિંગ કરતા હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે રમેશ કટારને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)


