સોનગઢ વિસ્તારમાં ગૌરક્ષકોની સતર્કતા અને પોલીસના સંયુક્ત પ્રયાસોથી ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વક પશુઓની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. સોનગઢના માંડલ ટોલનાકા પાસેથી પોલીસે બાતમીના આધારે ૧૫ ભેંસો ભરેલી એક આઈસર ટેમ્પો ઝડપી પાડી છે, જ્યારે ટેમ્પોમાં સવાર બે શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગૌરક્ષકોને ખાનગીરાહે બાતમી મળી હતી કે બારડોલી તરફથી એક ટેમ્પોમાં ગેરકાયદેસર રીતે પશુઓ ભરીને વ્યારા-સોનગઢ તરફ જનાર છે. આ બાતમીના આધારે ગૌરક્ષકોએ વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ આઈસર ટેમ્પો નંબર GJ-15-AV-6499નો પીછો કરી માંડલ ટોલનાકા આગળ તેને સફળતાપૂર્વક અટકાવ્યો હતો.ટેમ્પો અટકાવતી વખતે જ તેમાં સવાર બે શખ્સો અંધારાનો લાભ લઈને ભાગી છૂટ્યા હતા,જ્યારે ડ્રાઈવર અઝરૂદ્દીન શાહબુદ્દીન મેઉ (રહે. ખારેડા, તા. માલાખેડા, જિ. અલવર, રાજસ્થાન) પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
પોલીસ પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે આ ૧૫ ભેંસો તેના શેઠ ઈકબાલખાનના કહેવાથી આણંદના સામરખા ગામના પ્રભાતભાઇ સોમાભાઇ સલાટના ઘર પાસેથી ભરી હતી અને તેને ધુળિયા બજાર તરફ લઈ જવામાં આવી રહી હતી.ઘટનાસ્થળે તપાસ કરતા જણાઈ આવ્યું હતું કે આઈસર ટેમ્પોના પાછળના ભાગે પશુઓને પાણી, ઘાસચારા કે હલનચલનની યોગ્ય મોકળાશ વગર ટૂંકા દોરડા વડે અત્યંત ક્રૂરતાપૂર્વક ઠાંસી-ઠાંસીને બાંધવામાં આવ્યા હતા. ડ્રાઈવર પાસે પશુ વહન અંગેના કોઈ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર કે કાયદેસરના કાગળો ન હોવાથી પોલીસે આઈસર ટેમ્પો અને તમામ ૧૫ ભેંસોને કબજે કર્યા હતા.ત્યારબાદ પશુઓને સુરક્ષિત રીતે સોનગઢ સ્થિત ‘શ્રીજી ગોપાલ ગૌશાળા’ ખાતે ખસેડવામાં આવ્યા છે.આ પ્રકરણે પોલીસે ફરાર થયેલા અન્ય શખ્સો (તોસીફખાન અહેમદખાન અને અમરમાન) તેમજ ટેમ્પો માલિક ઈકબાલખાન અને પશુ ભરાવનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.


