સુરત: કામરેજ નજીક તાપી નદીના બ્રિજ પરથી નદીમાં કૂદવાનો પ્રયાસ કરી રહેલા એક સગીરને સુરત ગ્રામ્ય ટ્રાફિક શાખાની મહિલા લોકરક્ષકની સમયસૂચકતાથી બચાવી લેવાયો હતો.
જિલ્લા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મહિલા લોકરક્ષક પિંકલ તખતસિંહ આજે એક્ટિવા પર કામરેજ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન તાપી નદીના બ્રિજ પર એક સગીર દિવાલ પર ચઢેલો જોવા મળ્યો હતો. મહિલા લોકરક્ષકે તાત્કાલિક વાહન રોકી સગીરને નીચે ઉતારી બચાવી લીધો હતો.
બનાવની જાણ થતાં ટ્રાફિક શાખાના PSI આઈ.એ. સિસોદિયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સગીરને ટ્રાફિક શાખાની કચેરીએ લઈ જઈ સાંત્વના આપવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં ઘરકંકાસના કારણે મનદુઃખ થયું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સગીરને જરૂરી કાઉન્સેલિંગ અને આગળની કાર્યવાહી માટે કામરેજ પોલીસને સોંપવામાં આવ્યો હતો. મહિલા લોકરક્ષકની સમયસૂચક કામગીરીની પ્રશંસા થઈ રહી છે.


