વ્યારા તાલુકાના કાટીસકુવા નજીક વ્યારા-ખેરવાડા હાઇવે પર તા. ૨૪ ઓગસ્ટના રોજ સાંજે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારાતી મોટરસાઇકલે સામેથી આવતી બાઇકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
ધંજાબા ગામના પ્રણવકુમાર ચંદુભાઈ ચૌધરી (ઉ.વ. ૧૮) અને નિલકુમાર રણજીતભાઈ ચૌધરી બાઇક પર વ્યારા ગેસ સિલિન્ડર લેવા જઈ રહ્યા હતા. દરમિયાન પાંચપીપળાના સુરેશભાઈ શિવાજીભાઈ ગામીતે હંકારેલી સ્પ્લેન્ડર બાઇક સાથે તેમની બાઇક અથડાઈ હતી.
અકસ્મતમાં પ્રણવકુમારને માથા અને જડબાના ભાગે ગંભીર ઈજાઓ તેમજ હાથ-પગમાં ફ્રેક્ચર થયું હતું. તેમને સારવાર માટે વ્યારા અને બાદમાં બારડોલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે સમાધાનની વાતચીત ચાલતી હોવાથી ફરિયાદમાં વિલંબ થયો હતો. સમાધાન ન થતાં ફરિયાદના આધારે કાકરાપાર પોલીસે બાઇકચાલક સુરેશભાઈ ગામીત વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


