વ્યારા તાલુકાના કપુરા ગામમાં નજીવી બાબતની જૂની અદાવતે ગંભીર સ્વરૂપ ધારણ કરતાં ૩૭ વર્ષીય યુવકની હત્યાથી ચકચાર મચી ગઈ છે. મોટરનો વાયર કાપવાની બાબતે ત્રણ મહિના અગાઉ થયેલી બોલાચાલીની અદાવતમાં પડોશીએ યુવકના માથામાં કોદાડીનો જીવલેણ ઘા ઝીંકી દીધો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, કપુરા ગામે મહાશક્તિ શોપિંગ સેન્ટર નજીક રહેતા હસમુખભાઈ દેવશીભાઈ ચૌહાણ (ઉ.વ.૩૭) સાંજના સમયે મોટર રિવાઈડિંગની દુકાને જઈ રહ્યા હતા. ત્યારે પડોશમાં રહેતા મહેન્દ્રભાઈ અરવિંદભાઈ ચૌધરીએ કથિત રીતે તેમના પર કોદાડી વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઘા માર્યો હતો.
હુમલામાં લોહીલુહાણ થયેલા હસમુખભાઈને પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા નીકળ્યા હતા. રસ્તામાં મગરકુઈ પાટિયા પાસે ૧૦૮ એમ્બ્યુલન્સ મળતાં તેમને તેમાં ખસેડાયા હતા. જોકે, વ્યારા જનરલ હોસ્પિટલમાં તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. માત્ર મોટરનો વાયર કાપવાની ત્રણ મહિના જૂની બોલાચાલીની અદાવત આખરે હત્યા સુધી પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાને પગલે વ્યારા પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે આરોપી મહેન્દ્રભાઈ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવને પગલે કપુરા ગામમાં શોકનો માહોલ છવાયો છે.


