તાપી : વાલોડ ટાઉનમાં જાહેરમાં પત્તા-પાનાનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સમાચારી ફળીયામાં સોનમ બેકરી પાછળની ખુલ્લી જગ્યામાં રેડ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી વિગતો મુજબ વાલોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે સ્થળ પર રેડ કરવામાં આવી હતી. પોલીસ પહોંચતા ચારેય શખ્સો ગોળ કુંડાળું વાળીને પત્તા અને રોકડ રકમથી હાર-જીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે ચારેયને કોર્ડન કરી સ્થળ પર જ ઝડપી પાડ્યા હતા.પોલીસ દ્વારા પાડવામાં આવેલ દરોડો દરમિયાન સિંકંદરભાઇ ગુલામભાઇ શેખ (ઉ.વ.૪૦), સાહિદભાઇ સકીલભાઇ શેખ (ઉ.વ.૩૨), નીતીનભાઇ ઉર્ફે લાલુ ઠાકોરભાઇ હળપતિ (ઉ.વ.૩૩) અને ગુલઝારખાન તુફેલખાન પઠાણ (ઉ.વ.૫૨) આ જુગારીયાઓ ને ઝડપી પાડ્યા છે.
ચારેય વાલોડના અલગ-અલગ વિસ્તારોમાં રહેતા હોવાનું પોલીસે જણાવ્યું છે.પોલીસે આરોપીઓ પાસેથી અંગઝડતીના રૂ. ૧,૬૯૦, દાવ પર મુકેલા રૂ. ૨૮૦ તથા ૫૨ પત્તા-પાના મળી કુલ રૂ. ૧,૯૭૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ મામલે વાલોડ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ કોદરસિંહ રાઠોડની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની તપાસ ASI શબ્બીરખાન આલમખાન બેલીમ (એસ.એ. બેલીમ) ચલાવી રહ્યા છે.જાહેરમાં જુગાર રમતા તત્વો સામે વાલોડ પોલીસે કરેલી આ કાર્યવાહીએ ગેરકાયદે જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસની સતર્કતા સ્પષ્ટ કરી છે.


