સોનગઢ પોલીસ સ્ટેશનના NDPS ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી અકીલ નસીરખાન પઠાણને તાપી LCB અને પેરોલ ફર્લો સ્કવોડે સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે. આ ગુનામાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી, જ્યારે હવે ચોથા આરોપીની ધરપકડ થતાં પોલીસ તપાસને વધુ મહત્વપૂર્ણ કડી મળી છે.
પકડાયેલ અકીલ પઠાણ ટ્રક ડ્રાઇવર તરીકેની નોકરીની આડમાં ઓરિસ્સા તરફથી માલસામાન ખાલી કરી પરત ફરતી વખતે ટ્રકની કેબિનમાં ગાંજાનો જથ્થો છુપાવી સુરત લાવતો હોવાની માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે.
ચોક્કસ બાતમીના આધારે પોલીસે એકલેરમાંથી તેને ઝડપી પાડી મોબાઇલ ફોન જપ્ત કર્યો હતો. આરોપીને વધુ તપાસ માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. નોંધનીય છે કે આરોપી અગાઉ સોનગઢ વિસ્તારમાં નોંધાયેલા હત્યાના ગંભીર ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.


