ભુજના ખાવડા નજીક અંધૌ ગામની સરકારી પડતર જમીનમાં વન્યજીવ સાંઢાનો શિકાર કરતા એક શખ્સને પૂર્વ કચ્છ વન વિભાગે રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપી સોડા અરજણ કોલી (રહે. ખાવડા) પાસેથી મૃત સાંઢો, શિકાર માટે વપરાતાં સાધનો, મોટરસાયકલ અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યા બાદ આરોપીને ભુજની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જેલહવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. વન વિભાગે જણાવ્યું છે કે વન્યજીવોના શિકાર સામે કડક કાર્યવાહી યથાવત્ રહેશે.


