સુરત : બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે વહેલી સવારે દારૂના નશામાં ચૂર થઈને બેફામ કાર હંકારતા એક શખ્સે માણેકપોર ચેકપોસ્ટ પરના બેરીકેટને અડફેટે લીધું હતું. પોલીસે આ મામલે કાર ચાલક સહિત ચાર ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ૧૨ જુલાઈ ૨૦૨૬ના રોજ વહેલી સવારે આશરે ૩:૨૫ વાગ્યે એક લાલ કલરની હોન્ડા સિટી કાર પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહી હતી. માણેકપોર ચેકપોસ્ટ પર ફરજ પરના જી.આર.ડી. જવાનોએ કારને અટકાવવાનો પ્રયાસ કરતા, ચાલકે કાર બેરીકેટના પીપ સાથે ભટકાડી દીધી હતી અને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચેકપોસ્ટના સ્ટાફે પીછો કરીને થોડે દૂર કારને આંતરી લીધી હતી અને પેટ્રોલીંગમાં રહેલી પોલીસ ટીમને જાણ કરી હતી.
ઘટનાસ્થળે પહોંચેલા એ.એસ.આઈ. રિતેશકુમાર રાઠોડ અને તેમની ટીમે તપાસ કરતા કારમાં સવાર ચારેય ઈસમો નશાની હાલતમાં જણાયા હતા. કાર ચાલક મનિષભાઈ પાથુભાઈ ગોહિલ (ઉં.વ.૨૮,રહે.વરાછા રોડ,સુરત શહેર) ની આંખો નશાના કારણે લાલઘુમ હતી અને તે પોતાના શરીરનું સંતુલન પણ જાળવી શકતો ન હતો. અકસ્માતને કારણે કારના આગળના ભાગનું બમ્પર તૂટી ગયું હતું. બારડોલી રૂરલ પોલીસે કાર ચાલક મનિષ ગોહિલ વિરૂદ્ધ ગુનો નોંધી તેને તબીબી તપાસ માટે બારડોલી CHC ખાતે મોકલી આપ્યો છે. આ ઉપરાંત કારમાં સવાર અન્ય ત્રણ ઈસમો પ્રધાનરામ બાનીયા, જશવંત ચુડાસમા અને દિવ્યેશ બાવળીયા વિરૂદ્ધ પણ અલગથી ગુનો નોંધી આગળની તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર રિતેશભાઈ રાઠોડ ચલાવી રહ્યા છે.


