ઉચ્છલ : સુરત-ધુલીયા નેશનલ હાઇવે નંબર-૫૩ પર બેડકી નાકા ચેકપોસ્ટ પાસેથી પોલીસે ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વક પશુઓની હેરાફેરી કરતો એક આઇસર ટેમ્પો ઝડપી પાડ્યો છે. પોલીસે ટેમ્પોમાંથી ખીચોખીચ અને ટૂંકી દોરી વડે બાંધેલી ૧૬ ભેંસોને મુક્ત કરાવી છે.
વિગતો અનુસાર, ૧૨ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે પોલીસને બાતમી મળી હતી કે એક બંધ બોડીના આઇસર ટેમ્પોમાં પશુઓ ભરીને લઈ જવાઈ રહ્યા છે. બાતમીના આધારે પોલીસે બેડકી નાકા ચેકપોસ્ટ પાસે ટેમ્પોને રોકીને તપાસ કરતા, તેમાં કોઈપણ પ્રકારના ઘાસચારા, પાણી કે પ્રાથમિક સારવારની સગવડ વિના તેમજ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર વગર ક્રૂરતાપૂર્વક ભેંસો ભરેલી જોવા મળી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ટેમ્પો ચાલક કમલેશભાઈ શનાભાઈ ચૌહાણ (રહે. વલણ, તા. કરજણ, જી. વડોદરા)ની ધરપકડ કરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ભેંસો ટ્રકના માલિક સમીરભાઈ મુસાભાઈ પટેલ (રહે.સાંપા,તા.કરજણ,જી.વડોદરા) એ ભરૂચ ખાતે આવેલા પોતાના તબેલામાંથી ભરી આપી હતી અને તેને મહારાષ્ટ્રના ધુલીયા માર્કેટમાં લઈ જવાની હતી. પોલીસે સમીરભાઈ પટેલને વોન્ટેડ જાહેર કર્યા છે.આ કામગીરી દરમિયાન પોલીસે રૂ.૨,૪૦,૦૦૦ની કિંમતની ૧૬ ભેંસો, રૂ.૫,૦૦,૦૦૦ની કિંમતનો આઇસર ટેમ્પો અને રૂ.૧,૦૦૦નો મોબાઇલ મળી કુલ રૂ.૭,૪૧,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


