Explore

Search

July 13, 2026

Contact us -7820092500

IAS Coaching

Today’s Latest News : મરેલી દાદીને ‘જીવતી’ કરી કરોડોની જમીન પચાવી પાડવાનું કાવતરું, વડીલોપાર્જીત જમીન પચાવી પાડવાનું એક હાઈપ્રોફાઈલ કાવતરું ખુલ્લું પડ્યું

સુરત : માંડવી તાલુકામાંથી કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક એવી સનસનીખેજ ઘટના સામે આવી છે, જે સાંભળીને ભલભલાના હોશ ઊડી જશે. પોતાની જ સગી મર્હુમ દાદીને કાગળ પર ‘જીવતી’ કરી, કરોડોની વડીલોપાર્જીત જમીન પચાવી પાડવાનું એક હાઈપ્રોફાઈલ અને ખતરનાક કાવતરું ખુલ્લું પડ્યું છે. આ મામલે માંડવી પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો ગુનો દાખલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

શું છે સમગ્ર હકીકત? : ફરિયાદી લલીતાબેન ગામીતના જણાવ્યા અનુસાર, મોજે ફળીગામ (તા. માંડવી) ખાતે આવેલી ખાતા નંબર-૧૫૩ અને બ્લોક નંબર-૬૩ વાળી આશરે ૩-૦૯-૦૦ હેક્ટરની વડીલોપાર્જીત સંયુક્ત માલિકીની કીમતી ખેતીની જમીન આવેલી છે. આ જમીનમાં લલીતાબેનના દાદી દુબલીબેન હીરાજીભાઈ ગામીત અને તેમના વારસદારોનો કાયદેસરનો હક્ક હિસ્સો હતો.દાદી દુબલીબેનનું વર્ષ ૨૦૦૬માં જ અવસાન થઈ ચૂક્યું હતું. પરંતુ આ જમીન ઊંચી કિંમતે વેચીને મોટો આર્થિક લાભ ખાટી લેવાના બદઈરાદા સાથે આરોપી ચેતનભાઈ ખાલપાભાઈ ગામીતે એક પ્લાન ઘડ્યો હતો.

મૃત્યુના ૧૯ વર્ષ બાદ ‘નકલી દાદી’ સબ-રજીસ્ટ્રાર સમક્ષ હાજર! : દાદીના મોતના ૧૯ વર્ષ બાદ, એટલે કે સપ્ટેમ્બર ૨૦૨૫માં આરોપીઓએ કાયદાના લીરેલીરા ઉડાડતો ખેલ ખેલ્યો. આરોપીઓએ દુબલીબેનના નામે હક્ક છોડવાનો (રીલીઝ) બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યો. આ દસ્તાવેજની નોંધણી કરાવવા માટે સબ-રજીસ્ટ્રાર કચેરી, માંડવી ખાતે અસલી દુબલીબેનની જગ્યાએ એક અજાણી સ્ત્રીને ‘બોગસ દાદી’ બનાવીને ઉભી કરી દેવામાં આવી! આ અજાણી મહિલા પાસે સબ-રજીસ્ટ્રાર સમક્ષ અંગૂઠાનું નિશાન પણ કરાવી લેવાયું.

મિત્રોએ આપી ખોટી ઓળખ, મામલતદાર કચેરીમાં ભોપાળું છતું થયું : આ મહાકાવતરામાં ચેતનભાઈને સાથ આપવા માટે તેના બે મિત્રો ભીમસીંગભાઈ ચૌધરી અને સુરેશભાઈ ગામીતે સબ-રજીસ્ટ્રાર સમક્ષ હાજર રહીને તે અજાણી સ્ત્રી જ સાચી ‘દુબલીબેન’ છે તેવી ખોટી ઓળખ આપી સાક્ષી તરીકે સહીઓ કરી આપી હતી. આ બોગસ દસ્તાવેજના આધારે મામલતદાર કચેરીમાં રેવન્યુ રેકોર્ડમાંથી અસલી વારસદારોના નામ કમી કરાવી દેવાયા હતા.જ્યારે અસલી વારસદારોને આ છેતરપિંડીની ખબર પડી, ત્યારે તેમણે નાયબ કલેક્ટર (પ્રાંત અધિકારી) માંડવીની કોર્ટમાં વાંધા અરજી દાખલ કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન આરોપીઓએ પોતે બોગસ દસ્તાવેજ બનાવ્યા હોવાની અને ખોટી સ્ત્રી ઉભી કરી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી લીધી હતી! કોર્ટે વાંધા અરજી મંજૂર કરી ફોજદારી કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.

નાયબ કલેક્ટરના આદેશ બાદ માંડવી પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે આ કેસમાં ચેતનભાઈ ખાલપાભાઈ ગામીત,ભીમસીંગભાઈ ખાલપાભાઇ ચૌધરી,સુરેશભાઈ રતનભાઇ ગામીત અને ‘ખોટી ઉભી કરાયેલી’ અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ. વળવીને સોંપી છે. આ કેસમાં હજુ કેટલા મોટા માથાઓ સંડોવાયેલા છે અને તે અજાણી મહિલા કોણ હતી, તે દિશામાં પોલીસ સઘન તપાસ ચલાવી રહી છે.

Advertisement
error: Content is protected !!