સુરત-ધુલિયા નેશનલ હાઇવે નંબર ૫૩ પર ચંચરબુદા ગામની સીમમાં એક અકસ્માત સર્જાયો છે. ૧૭ જૂનના રોજ સાંજના આશરે છ વાગ્યાના સુમારે સોનગઢથી નવાપુર તરફ જતાં રોડ પર એક દૂધના ટેન્કરે મોટરસાયકલને અડફેટે લીધી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર, મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના શિરપુર તાલુકાના વાઠોડે ગામના રહેવાસી આકાશ કોળી અને તેમનો મિત્ર ઋષિકેશ જાદવ (ઉંમર ૨૭ વર્ષ) સુરતથી મોટરસાયકલ પર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન વસુંધરા ડેરીના ટાટા કંપનીના દૂધના ટેન્કર ના ચાલક આલોક શર્મા યાદવે પોતાના કબજાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઇકને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં બાઇક ચાલક ઋષિકેશ જાદવ ટેન્કરના ટાયર નીચે આવી જતાં ગંભીર ઇજાઓ થવાને કારણે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા આકાશ કોળીને જમણા પગે ફ્રેક્ચર સહિત શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સોનગઢ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સર્જીને ટેન્કર ચાલક ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો, પરંતુ સતર્ક નાગરિકો અને પોલીસની તત્પરતાને કારણે તેને બેડકી નાકા પોલીસ ચેક પોસ્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ મામલે મૃતકના ભાઈ સાગર પ્રકાશ કોળીએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રકાશભાઈ મગનભાઇ હઠીલાએ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


