ડીંડોલી વિસ્તારમાં રહેતી એક મહિલાએ પતિ દ્વારા થતા માનસિક ત્રાસ, અપશબ્દો અને ઘરેલુ વિવાદોથી પરેશાન થઈ અભયમ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો. મહિલાના જણાવ્યા મુજબ પતિ બાળકો અને ઘરેલુ બાબતોને લઈને વારંવાર ઝઘડો કરતો હતો અને ક્યારેક મારપીટ પણ કરતો હતો.
માહિતી મળતાં અભયમ ટીમ સ્થળ પર પહોંચી પતિ-પત્ની બંનેની વાત સાંભળી હતી. પતિએ પત્નીની સલામતી અને અજાણપણાને કારણે કેટલીક બાબતોમાં રોકટોક કરતો હોવાનું જણાવ્યું હતું.કાઉન્સેલિંગ દરમિયાન અભયમ ટીમે પતિને પત્ની સાથે સન્માનજનક વર્તન રાખવા અને અપશબ્દોનો ઉપયોગ ન કરવા સમજાવ્યું હતું. સાથે જ મહિલાને પણ પરિવારિક જવાબદારીઓ અને સંવાદ જાળવવા માર્ગદર્શન અપાયું હતું.ચર્ચા બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. મહિલાએ પતિને વધુ એક તક આપવાની તૈયારી દર્શાવી હતી. સમયસર માર્ગદર્શન અને કાઉન્સેલિંગથી અભયમ ટીમે પરિવારને તૂટતા બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


