વલસાડ જિલ્લાનાં અબ્રામા ધરમપુર રોડ પર માનસીનગરની બાજુમાં આવેલ હરિનગરીમાં રહેતા અનિલભાઈ કિશનભાઈ રાઠોડ નામના શ્રમજીવી પિતાની મોટી પુત્રી જીજ્ઞા રાઠોડએ વલસાડ તાલુકાના પાલણ ગામના વીટા ફળિયામાં રહેતા વૈભવ સુરેશ નાયકા સાથે પ્રેમસંબંધ હોવાથી ગત તારીખ ૧૪-૧૨-૨૩ નારોજ પોતાની મરજીથી કોર્ટ મેરેજ કર્યા હતા. પરંતુ વૈભવના પરિવારજનો જીજ્ઞાને પુત્રવધૂ તરીકે અપનાવવા તૈયાર નહીં હોવાથી વૈભવ ક્યારેક સાસરીમાં તો ક્યારેક જુજવા ગામે રહેતા મામાને ત્યાં રહેતો હતો. દરમિયાન વૈભવના પરિવારજનો જીજ્ઞાને અપનાવવા તૈયાર નહીં હોવાથી આરોપી વૈભવ પત્નીને છૂટાછેડા લેવા દબાણ કરતો હતો અને તેણી પાસે રહેલા કોર્ટ મેરેજનું સર્ટિફિકેટ માંગતો હતો.
પરંતુ જીજ્ઞા છૂટાછેડા આપવા માંગતી નહીં હોવાથી મેરેજ સર્ટિફિકેટ આપતી નહોતી. જેથી દંપતી વચ્ચે આ મુદ્દે અવાર-નવાર ઝઘડા થતાં હતાં. ગત તારીખ ૨૧-૦૪-૨૪ના રોજ પતિ વૈભવ પત્ની જીજ્ઞાના અબામા સ્થિત ઘરે હાજર હતો. બપોરે પિતા અનિલભાઈ મજૂરીકામે ઘરેથી નીકળી ગયા હતા. બપોરે ૪ વાગ્યે તેઓ ઘર પરત ફર્યા ત્યારે તેમના ઘર પાસે લોકોનું ટોળું હાજર હતું. તેમણે અંદર જઈને જોયું તો તેમની પત્ની તારાબેન, નાની દીકરી કાજલ તથા જમાઈ વૈભવ હાજર હતા. જ્યારે જીજ્ઞાનો નિશ્ચેતન દેહ શેરી પર પડયો હતો. તેણીને ૧૦૮-માં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જયાં ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી.
મૃતકના ગળા પાસે લાલાશ પડતા નિશાનો હતા. તેથી હત્યાની આશંકાથી તબીબે કરેલા પી.એમ.ના પ્રાથમિક રિપોર્ટમાં જીજ્ઞાનું મોત ગળું દબાવી દેવાથી થયું હોવાનું બહાર આવ્યું હતું. અનિલભાઈ મજૂરીકામે ઘરેથી નીકળ્યા ત્યારે ઘરમાં જીજ્ઞા સાથે તેણીનો પતિ વૈભવ જ હાજર હતો. તેથી પોલીસે તેની અટક કરીને કડકાઈથી પૂછપરછ કરતાં પોતાનો ગુનો કબૂલી લીધો હતો. જે અંગેનો કેસ અત્રેની ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર નવીન ડી. પ્રજાપતિ અને ભરતભાઈ પ્રજાપતિની દલીલોને ગ્રાહ્ય રાખી સેશન્સ જજ નિપા સી.રાવલે આરોપીને તકસીરવાર ઠેરવી ઈ.પી.કો.ની કલમ-૩૦૨ના ગુનામાં આજીવન કેદની સજા અને રૂ. ૫૦,૦૦૦નો દંડ તથા દંડ ના ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. વધુમાં દંડની તમામ રકમ મૃતકના વારસોને ચૂકવી દેવા ઉપરાંત મૃતકનાં માતા-પિતાને રૂ.૫ લાખ ચૂકવી આપવા સેક્રેટરી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને જરૂરી કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું.(file photo)


