અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (મનપા)ના ફૂડ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરેલી તપાસ દરમિયાન રૂ. 31.81 લાખની કિંમતનું આશરે 4,850 કિલો શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત કર્યું છે. સંબંધિત બે બ્રાન્ડના ઘીના નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. પરીક્ષણના અહેવાલના આધારે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મનપાની ટીમે 8 જૂને સીટીએમ વિસ્તારમાં પૂર્વદીપ સોસાયટી પાછળ આવેલા લક્ષ્મણભાઈ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે દરોડાની કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન પરિસરમાંથી આશરે 3,250 કિલો શંકાસ્પદ ગાયનું ઘી મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ. 21.31 લાખ થાય છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ ઘીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને સમગ્ર જથ્થાનું વેચાણ તાત્કાલિક અસરથી સ્થગિત કરીને એકમને સીલ કરવામાં આવ્યું હતું.પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બંને બ્રાન્ડનું ઉત્પાદન દસક્રોઈ તાલુકાના પાલડી-કાકંજ ગામ નજીક ઓડ-પીરાણા રોડ પર આવેલી ‘સાર્થક ફૂડ પ્રોડક્ટ્સ’ દ્વારા કરવામાં આવે છે. સમગ્ર મામલાની વિગતવાર તપાસ માટે મનપાએ સંબંધિત રાજ્ય સરકારના વિભાગોને માહિતી મોકલી આપી છે.
તપાસ દરમિયાન અધિકારીઓને સમાન બ્રાન્ડના અન્ય બે વિતરકો અંગે પણ માહિતી મળી હતી. જેના આધારે વટવા વિસ્તારમાં આવેલી વિરકૃપા ટ્રેડિંગ તેમજ દૂધેશ્વર સ્થિત ત્રિશલા એજન્સીમાં અલગ-અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ બંને સ્થળોએથી આશરે 1,600 કિલો શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું, જેની કિંમત રૂ. 10.49 લાખ હોવાનું મનાય છે. આ જથ્થાનું પણ વેચાણ અટકાવી દેવામાં આવ્યું છે.મનપાના ફૂડ વિભાગે કુલ મળીને રૂ. 31.81 લાખની કિંમતના 4,850 કિલો શંકાસ્પદ ગાયના ઘીનું વેચાણ રોકી દીધું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ લેબોરેટરી પરીક્ષણના અહેવાલ બાદ ઉત્પાદનોની ગુણવત્તા અને અસલિયત અંગે સ્પષ્ટતા થશે, ત્યારબાદ ઉત્પાદકો, વિતરકો અને અન્ય જવાબદાર વ્યક્તિઓ સામે જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


