Explore

Search

June 10, 2026

Contact us -7820092500

IAS Coaching

તાંત્રિક વિધિના બહાને છેતરપિંડી કરતી રીઢા ગુનેગારોની ત્રિપુટી ઝડપાઈ

લોકોના અંધવિશ્વાસનો ગેરલાભ ઉઠાવી ધંધામાં બરકત લાવવા તથા જીવનની નડતરો દૂર કરવાના બહાને તાંત્રિક વિધિઓના નામે રૂપિયા ખંખેરતી રીઢા ગુનેગારોની ત્રિપુટીને પદ્ધર પોલીસે ઝડપી પાડી છે. પકડાયેલા આરોપીઓ સામે અગાઉ પણ ગુજરાતના વિવિધ પોલીસ મથકોમાં અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ભુજ ડિવિઝનના ડીવાયએસપી ડો. વિશ્વા શાહ તથા પદ્ધર પોલીસ મથકના પી.આઈ. એ.ડી. ખાંટના જણાવ્યા મુજબ, એક કારમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ ફરી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓ પૈકીનો એક વ્યક્તિ સાધુનો વેશ ધારણ કરીને પોતે દૈવી અને વિશેષ શક્તિઓ ધરાવતો હોવાનો ઢોંગ કરતો હતો. તેઓ ગ્રામ્ય વિસ્તારોમાં ભોળા લોકોને ધંધા-રોજગારમાં પ્રગતિ કરાવવાની અને ઘરેલુ દુઃખ-તકલીફો દૂર કરવાની લાલચ આપીને વિશ્વાસમાં લેતા હતા. ત્યારબાદ વિધિ-પૂજાના નામે મોટી રકમ વસૂલતા હોવાની માહિતી મળી હતી.

પોલીસે કાર્યવાહી હાથ ધરી કાર સહિત ત્રણેય આરોપી અરવિંદનાથ ઉર્ફે ફક્કો જીવણનાથ પરમાર (રહે.તરઘડી, તા.પડધરી, જિ.રાજકોટ), બળવંત હીરા વાદી (રહે.કંબોઈ, તા.કાંકરેજ, જિ. બનાસકાંઠા) અને પરબત નથભુ રાઠોડ (રહે. હરમડિયા, તા.ગોંડલ, જિ.રાજકોટ)ને ઝડપી પાડ્યા હતા.આરોપીઓ પાસેથી રોકડા રૂ.17,240/- ચાર મોબાઈલ ફોન, વિધિમાં વપરાતી સામગ્રી, ઘીનો ડબ્બો, શ્રીફળ તેમજ એક અલ્ટો કાર મળી કુલ રૂ.1,32,740/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. મુખ્ય સૂત્રધાર અરવિંદનાથ સામે રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં છેતરપિંડી સહિત કુલ 11 ગુનાઓ નોંધાયેલા છે. સાધુનો વેશ ધારણ કરનાર પરબત સામે ત્રણ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બળવંત સામે અગાઉ પદ્ધર પોલીસ મથકે એક ગુનો નોંધાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.પોલીસે ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement
error: Content is protected !!