વાલોડના એસ.બી.આઈ. બેંક રોડ પર આવેલ આંગણવાડી ત્રણ રસ્તા પાસે એક અકસ્માત સર્જાયો છે. અજાણ્યા મોપેડ ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી મોટરસાયકલ સવારને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. 
મળતી માહિતી મુજબ, ગત તારીખ ૦૪ જૂન ના રોજ સવારે આશરે ૧૧:૦૦ વાગ્યાની આસપાસ કિશોરભાઈ ભગુભાઈ પ્રજાપતિ પોતાની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પર દેગામાથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન આંગણવાડી ત્રણ રસ્તા પાસે અજાણ્યા મોપેડ ચાલકે તેમની બાઇકને ટક્કર મારતા તેઓ રસ્તા પર પટકાયા હતા અને બેભાન થઈ ગયા હતા. અકસ્માતને કારણે કિશોરભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ (હેમરેજ) પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં જ પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેમને પ્રથમ વાલોડ કેર હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે બારડોલીની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી વધુ ગંભીર હાલત જણાતા તેઓને સુરતના વેસુ ખાતે આવેલ મૈત્રય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને હાલ તેઓ સારવાર હેઠળ છે.
ભોગ બનનારના મોટાભાઈ મગનભાઈ પ્રજાપતિ અકસ્માત બાદ ભાઈની સારવારમાં રોકાયેલા હોવાથી, તેમણે તારીખ ૦૬ જૂન ના રોજ વાલોડ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મોપેડ ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.


