ભરૂચ શહેરના મકતમપુર સ્થિત ગુલમોહર સોસાયટી વિસ્તારમાં પારિવારિક અણબનાવ ઉગ્ર બનતા પિતા-પુત્ર સહિત પરિવારના સભ્યો સામસામે આવી જતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, પ્રથમ ફરિયાદ મુજબ, મકતમપુરના ગુલમોહર સોસાયટીમાં રહેતા અને ડી.જે.સાઉન્ડ ઓપરેટિંગનું કામ કરતા ૨૪ વર્ષીય રાજ વિનોદભાઈ પાટણવાડિયાએ પોલીસને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી ઘરનું સમારકામ ચાલતું હોવાથી તેઓ સગાંના ઘરે રહેવા ગયા હતા.
જોકે ગત તારીખ ૨૪ મેની રાત્રે તેઓ પિતરાઈ બહેન દામિનીબેન સાથે જૂના ઘરે સફાઈ કરવા ગયા હતા. તે દરમિયાન તેમના પિતા વિનોદભાઈએ દામિનીબેન સાથે સફાઈ બાબતે બોલાચાલી કરી ગાળાગાળી કરી હતી. જેથી રાજે વચ્ચે પડતા પિતા ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડાનો સપાટો લઈને રાજને મારમાર્યો હતો. આ દરમિયાન પરિવારના અન્ય સભ્યો વચ્ચે પડતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
જ્યારે વિનોદભાઈ શનાભાઈ પાટણવાડિયાએ પણ દિકરા રાજ, મોટા ભાઈ હસમુખભાઈ અને ભત્રીજા રોનક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, દામિનીબેને ઘરની બહાર સફાઈ કરી પરંતુ તેમના ઘરની સામે સફાઈ ન કરતા તેમણે ટકોર કરતા રાજ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરી ઈંટ લઈને હુમલાનો પ્રયાસ કર્યો હતો. હસમુખભાઈ અને રોનકે પણ સપાટા લઈને આવી ધમકી આપી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

