સુરત જિલ્લાનાં પાલોદ પોલીસે ટ્રેક્ટર ટ્રોલીનાં ફાલકા ચોરીનાં ગુનાનાં ફરાર આરોપીને ચોરીનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, પાલોદ પોલીસ સ્ટેશનની હદમાં થયેલી ટ્રેકટર ટ્રોલીનાં ફાલકા ચોરીનો આરોપી મોઈન મોહમદ શેખ પોતાની કાળા કલરની સીએનજી રીક્ષામાં ચોરીનાં ફાલકા ભરીને ભંગારમાં વેચવા માટે મોટા બોરસરા ગામથી દરબાર હોટલ ત્રણે રસ્તા થઈને કીમ ગામ તરફ જવાનો હોવાની પાલોદ પોલીસને બાતમી મળી હતી. જોકે પાલોદ પોલીસે ઉપરોક્ત બાતમી વર્ણન અનુસાર દરબાર હોટલ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી રીક્ષા ત્યાં આવી પહોંચતા પોલીસે જેને અટકાવી રીક્ષા ચાલકની પુછપરછ કરતા તેણે પોતાનું નામ મોઈન મોહમદ શેખ (રહે. જુના કોસંબા) હોવાનું જણાવ્યુ હતુ.
આમ, પોલીસે રીક્ષાની તલાશી લેતા તેમાંથી ટ્રેક્ટર ટ્રોલીનાં બે ફાલકા મળી આવ્યા હતા. જોકે આ ફાલકા બાબતે શંકાસ્પદ રીક્ષા ચાલક કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેથી પોલીસે કડક પૂછપરછ હાથ ધરતા તેણે આ ફાલકા સરોવર નગર પાલોદ ગામ ખાતેથી ચોરી કર્યા હોવાની અને તેને ભંગારમાં વેચવા જતો હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.
પોલીસે આરોપી પાસેથી ટ્રેક્ટર ટ્રોલીનાં ચોરી થયેલ બે ફાલકા, ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાળા કલરની રીક્ષા તેમજ આરોપીની અંગઝડતી દરમ્યાન મળી આવેલ વીવો કંપનીનો મોબાઈલ ફોન કબજે લીધો હતો. જોકે પોલીસ તપાસમાં સામે આવ્યુ હતુ કે, પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ કોસંબા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, ચોરી તેમજ અન્ય ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. ઘટના અંગે પાલોદ પોલીસે આરોપી મોઈન મોહમદ અલ્તાફ શેખ (ઉ.વ.૩૧, રહે.જુના કોસંબા ગામ)ની અટક કરી જેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

