તાપી જિલ્લાનાં છેવાડાના તાલુકો કુકરમુંડાનાં પિશાવરમાં ખેતરની સાફ-સફાઈ બાબતે વિવાદ થતાં પરિવારને દાતરડા, કુહાડી તથા કોયતાથી મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, કુકરમુંડા તાલુકાનાં પિશાવર ગામની સીમમાં આવેલ જુનો સરવે નં.30 પૈકી 1 જેનો નવો સર્વે નં.63 વાળા ખેતર બાબતે બે પરિવારો વચ્ચે બુધવારના રોજ મારામારી થઈ હતી.
જોકે પિશાવરના હિરાલાલભાઈ તુલશીરામભાઈ કોળીએ ફરીયાદ કરતા જણાવ્યું છે કે, આરોપી અશોકભાઈ દૌલતભાઈ કોળીએ લોખંડની કુહાડીથી હિરાલાલભાઈને કપાળ, જમણા કાન, આંખના ભાગે મારી ઇજા પહોંચાડી હતી. જયારે સતિષભાઈ ઉર્ફે સતિલાલ કોળીએ પોતાના પાસેના લોખંડના પાઈપ વડે હીરાલાલભાઈને બે-ત્રણ સપાટા મારી તથા લાકડી વડે પગ, પીઠના ભાગે સપાટા મારી ઈજા પહોંચાડી હતી.
તેમજ હીરાલાલભાઇના નાનાભાઈ સોહનલાલ છોડાવવા વચ્ચે પડતા સોહનલાલભાઈને ભુરીયાભાઈએ શેરડી કાપવાના કોયતાથી માથાના વચ્ચેના ભાગે મારી ઈજા પહોંચાડી હતી. જેથી અશોકભાઈ, સતિષભાઈ, દાદુભાઈ, ભુરિયાભાઈ, દૌલતભાઇ (તમામ રહે.સગમેશ્વર રોડ, પ્રકાશા ગામ,તા.શાહદા, જી.નંદુરબાર)એ આ જમીનમાં અમારો હક્ક છે તે લઈને જ જંપીશું કહીને મારમારી તથા જો બીજી વખત ખેતરમાં આવ્યા તો જાનથી મારી નાંખીશુંની ધમકીઓ આપી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાંનો ભંગ કરી ગુનો કર્યા હોવાની ફરીયાદ કુકરમુંડા પોલીસ મથકે ઈજાગ્રસ્ત હિરાલાલભાઇએ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

