સુરત જિલ્લાનાં પાલોદ પોલીસને મળેલ બાતમીનાં આધારે અંકલેશ્વર જીઆઈડીસીનાં એનડીપીએસ ગુન્હામાં સંડોવાયેલ ભાટકોલના વોન્ટેડ આરોપીને છમુછલ ગામની સીમમાંથી ઝડપી પાડયો હતો. મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનના એનડીપીએસ એક્ટ હેઠળના ગુન્હાનો વોન્ટેડ આરોપી સુએઝ ગુલામ શેખ હાલ છમુછલ ગામની સીમમાં આવેલ કૃત્રિમ તળાવ પાસે બેઠો હોવાની પાલોદ પોલીસને બાતમી મળી હતી. 
જેથી પાલોદ પોલીસે છમુછલમાં દરોડો પાડીને આરોપીને કોર્ડન કરી ઝડપી લીધો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે સ્વીકાર્યું હતું કે, તેની સામે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટનો ગુનો નોંધાયેલો છે ત્યારથી તે નાસતો ફરતો હતો. આરોપી સુએઝ ગુલામ શેખનો ગુનાહિત ઈતિહાસ તપાસતા સામે આવ્યું હતું કે તેના વિરુદ્ધ અગાઉ પણ કોસંબા પોલીસ સ્ટેશન અને પાલોદ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે તેમજ કોસંબા પોલીસ સ્ટેશનમાં એક ચેપ્ટર કેસ પણ નોંધાયેલો હતો. હાલ પાલોડ પોલીસે આરોપી સુએઝ ગુલામ શેખ (ઉ.વ.20., રહે.મસ્જિદ ફળિયું, ભાટકોલ ગામ, માંગરોળ)ની ધરપકડ કરી તેને આગળની કાનૂની કાર્યવાહી માટે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

