વલસાડ જિલ્લાનાં પારડીનાં ચિવલ રોડ ઉપર મરી માતા મંદિર પાસે રહેતા નિલેશભાઈ હળપતિએ પારડી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેઓ પ્લમ્બર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની વનિતાબેન, માતા જશુબેન તેમજ બે પુત્રોનો સમાવેશ થાય છે. જેમાં મોટો પુત્ર અનિશ નિલેશભાઈ હળપતિ (ઉ.વ.17) ધોરણ 10માં નાપાસ થયા બાદ ઘરે રહેતો હતો અને નિલેશભાઈ પારડી ગયા હતા. 
તે દરમિયાન બપોરે ફળિયામાં રહેતા પિન્ટુ જયેશભાઈ પટેલનો તેમને ફોન આવ્યો હતો કે, તેમની પત્ની, પુત્ર અનિશ તથા અન્ય મિત્રો પારડી ચંદ્રપુર પાસે આવેલી પાર નદી ખાતે ગયા હતા. જ્યાં તેમની પત્ની કપડાં ધોઈ રહી હતી જયારે અનિશ અને અન્ય યુવકો નદીમાં નાહવા પડ્યા હતા. દરમિયાન અનિશને થોડું ઘણું તરતા આવડતું હતું. તે તરવાનું શીખવા માટે થોડે દૂર આવેલા પથ્થર સુધી તરતો ગયો હતો. પરંતુ પરત ફરતી વખતે તે પાણીમાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ નિલેશભાઈ પાર નદી ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ સ્થાનિકોની મદદથી અનિશને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો બાદમાં તબીબોએ તપાસ કરી અનિશને મૃત જાહેર કર્યો હતો.

