સોનગઢ તાલુકાના નવી ઉકાઈ ગામે મોડી રાત્રે બે પક્ષો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ઉકાઈ પોલીસ મથકે સામસામી ફરિયાદો નોંધાઈ છે. આ વિવાદમાં એક પક્ષે ચૂંટણીલક્ષી વાતચીત દરમિયાન હુમલો થયો હોવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે બીજા પક્ષે અનૈતિક સંબંધોની શંકાના આધારે વિવાદ થયો હોવાનું જણાવ્યું છે.
ફરિયાદી રવિન્દ્રભાઈ ગામીતે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત ૧૨ મેની રાત્રે આશરે દોઢ વાગ્યાના સુમારે તેઓ ગામની એક મહિલા સાથે આગામી યુનિયન લીડરની વાર્ષિક ચૂંટણી બાબતે વાતચીત કરવા ગયા હતા. તે સમયે આરોપી સ્મીતભાઈ ગામીતે તેમને ગળાના ભાગે પકડી જઈ માર માર્યો હતો અને બળજબરીથી કપડાં ઉતરાવી વિડિયોગ્રાફી કરી હતી. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીના ઘરે જઈને પણ તોડફોડ કરી હતી અને પરિવારના સભ્યો સાથે ઝપાઝપી કરી હતી, જેમાં ફરિયાદીનો ખભો ઉતરી જવાથી તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. સામે પક્ષે સ્મીતભાઈ ગામીતે વળતી ફરિયાદમાં જણાવ્યું છે કે, તે રાત્રે તેઓ લગ્ન પ્રસંગેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રવિન્દ્રભાઈને તેમના સંબંધીના ઘરની બારીમાંથી અંદર પ્રવેશતા જોયા હતા. સ્મીતભાઈનો આક્ષેપ છે કે રવિન્દ્રભાઈ અને તે ઘરની મહિલા વચ્ચે આડા સંબંધો હોવાથી તેઓ ત્યાં છુપાવા ગયા હતા. જ્યારે તેઓએ વિડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો ત્યારે રવિન્દ્રભાઈ બારીમાંથી કૂદીને ભાગી ગયા હતા. પાછળથી જ્યારે ગામના વડીલોની હાજરીમાં આ બાબતે પૂછપરછ કરવા ગયા ત્યારે રવિન્દ્રભાઈએ તેમની સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી હતી. ઉકાઈ પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

