સુરત-ધુલિયા નેશનલ હાઈવે નંબર 53 પર રવિવારે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવતી એક બલેનો કારે આગળ ચાલતી રિક્ષાને પાછળથી ટક્કર મારતા રિક્ષા પદયાત્રી સાથે અથડાઈ હતી, જેમાં એક યુવાનનું કરૂણ મોત નીપજ્યું છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના વાસીમ જિલ્લાના કલેમ્બેશ્વર ગામનો એક પરિવાર પાવાગઢ ખાતે પદયાત્રાએ નીકળ્યો હતો. રવિવારે બપોરે તેઓ મીરકોટ ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા.
તે સમયે સોનગઢ તરફથી આવતી એક બલેનો કાર નંબર MH-39-AB-0351 ના ચાલકે પોતાની ગાડી ગફલતભરી રીતે હંકારી આગળ જતી રિક્ષા નંબર GJ-19-U-6384 ને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રિક્ષા ફંગોળાઈને સાઈડમાં ચાલતા પદયાત્રી વિષ્ણુ દશરથ ધનગર (ઉંમર 28 વર્ષ) સાથે અથડાઈ હતી. ગંભીર ઈજાઓ થવાને કારણે હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. જયારે રિક્ષા ચાલક શૈલેષભાઇ કેશનભાઇ ગામીતને પણ શરીરે ઈજાઓ પહોંચતા તેમને સોનગઢ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.ઘટના અંગે રાજુ સાહેબરાવ ગજબારે કાર ચાલક દિનેશભાઇ શંકરલાલ અગ્રવાલ (રહે.નંદુરબાર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

