વ્યારાના સ્ટેશન રોડ પર ગત સોમવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક 42 વર્ષીય શખ્સનું માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, મૂળ બારડોલીના વતની અને વ્યારાની શ્રી મારૂતી સેલ્સ એજન્સીમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રકુમાર સોમાભાઈ પટેલ (ઉ.વ.42) સોમવારે બપોરે એજન્સીના કામે પોતાની મોપેડ નંબર GJ 19 AP 8084 લઈને નીકળ્યા હતા.

બપોરના અરસામાં વ્યારા સ્ટેશન રોડ પર લોકલ ક્રાઈમ ઓફિસની સામેથી પસાર થતી વખતે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તેમની મોપેડ રોડની બાજુમાં આવેલા બાંકડા સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં રાજેન્દ્રકુમાર રોડ પર પટકાતા તેમને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમજ ચહેરા અને હાથ પર ઘસરકા પડ્યા હતા.
108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક વ્યારા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.મૃતકના નાના ભાઈ પ્રકાશભાઈ પટેલની ફરિયાદના આધારે વ્યારા પોલીસે બનાવ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

