સુરત: સુરતના અંબિકા તાલુકાના ભોરીયા ગામ પાસે ગત રવિવારે સાંજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી અર્ટિગા કારે મોટરસાયકલને અડફેટે લેતા એક જ પરિવારના સાસુ, પુત્ર અને પુત્રવધૂનું મોત નીપજ્યું છે, જ્યારે 7 વર્ષના માસૂમ બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે.
મળતી માહિતી મુજબ, સાંબા ગામના વતની સતીષભાઈ ઢોડિયા પટેલનો પરિવાર ગત તારીખ 19/04/2026 ના રોજ ડોલવણ ખાતે લગ્ન પ્રસંગમાં ગયો હતો. પ્રસંગ પતાવીને સાંજના સમયે આશિષભાઈ પટેલ (ઉં.વ.31), તેમના પત્ની પારુલબેન (ઉં.વ.29), પુત્ર વેદ (ઉં.વ.7) અને કૌટુંબિક ભાભી ઉષાબેન પટેલ (ઉં.વ.60) પોતાની મોટરસાયકલ GJ-19-AK-6408 પર ઘરે પરત ફરી રહ્યા હતા. સાંજે આશરે 6:30 વાગ્યાના અરસામાં ભોરીયા ગામના ગીગોડીવલ્લી ફળિયા પાસે, વલવાડાથી સાંબા તરફ જતા રોડ પર સામેથી પૂરઝડપે આવતી અર્ટિગા કાર નંબર GJ-19-BR-8086 ના ચાલક નિલય રાજેન્દ્રભાઈ પટેલે મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં આશિષભાઈ પટેલ અને ઉષાબેન પટેલનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું.જયારે પારુલબેન પટેલનું સારવાર દરમિયાન નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે નિધન થયું હતું. 7 વર્ષીય વેદને માથામાં અને હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થતા હાલ તે નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા જ અનાવલ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક આશિષભાઈના પિતા સતીષભાઈની ફરિયાદના આધારે અર્ટિગા ચાલક નિલય પટેલ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

