સુરત: લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે સુરત ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે. સુરત ગ્રામ્ય LCB એ માંડવી-કીમ રોડ પર આવેલા અરેઠ ટોલનાકા પાસે એક આઈશર ટેમ્પોમાંથી ચોખાના ભૂસાની આડમાં છુપાવેલો રૂ.24.45 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ.34.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.
LCBના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ કાનજીભાઈ અને તેમની ટીમને બાતમી મળી હતી કે નાનાપૌંઢાથી ધરમપુર થઈ એક આઈશર ટેમ્પો નંબર GJ-15-AT-7590 માં દારૂનો જથ્થો આણંદ તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે અરેઠ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટેમ્પો આવતા જ તેને અટકાવી તપાસ કરતા ઉપરના ભાગે ચોખાના ભૂસાની ગુણીઓ જોવા મળી હતી, પરંતુ તેની નીચે તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
આ મામલે પોલીસે વિદેશી દારૂ તથા બિયર આઈશર ટેમ્પો અને આરોપીઓ પાસેથી મળી આવેલ રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 34,69,358/નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક ધર્મેન્દ્રકુમાર શ્રીપ્રકાશ વર્મા અને ક્લીનર બ્રિજેશકુમાર રામઆશરે વર્મા (બંને રહે. ઉત્તર પ્રદેશ) ની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે દારૂનો જથ્થો કરણ નામના વ્યક્તિએ ભરી આપ્યો હતો અને ચંદન ચૌધરી (રહે.યુપી) એ તેમને કામ પર રાખ્યા હતા.જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, તડકેશ્વર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

