Explore

Search

September 28, 2026

Contact us -7820092500

IAS Coaching

CYBER CRIME : ઇ-સીમ એક્ટિવેટ કરવાના બહાને મહિલા સાથે ઠગાઈ

અમદાવાદના જોધપુર ગામમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા ૫૫ વર્ષીય મહિલા સાથે ઇ-સીમ એક્ટિવેટ કરવાના બહાને ૯૯,૯૦૦ રૂપિયાની સાયબર ઠગાઈ થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઠગે કંપનીના પ્રતિનિધિ તરીકેની ઓળખ આપી મહિલાના ફોનમાં EID નંબર નખાવી સીમકાર્ડ પોતાના મોબાઈલમાં ચાલુ કરી લીધું હતું અને બાદમાં બૅંક એકાઉન્ટમાંથી ઓનલાઈન પેમેન્ટ એપ મારફતે નાણાં ટ્રાન્સફર કરી લીધા હતા. મળતી માહિતી મુજબ, જોધપુર ગામ ખાતે રહેતાં 55 વર્ષીય પ્રમીલાબહેન જૈન અને તેના પરિવારજનોએ જુલાઈ મહિનામાં પોતાના મોબાઈલ નંબરો અન્ય કંપનીમાં પોર્ટ કરાવવા માટે ઓનલાઈન રિક્વેસ્ટ કરી હતી.

ત્યારબાદ વિજયકુમાર જિતીયા નામના વ્યક્તિએ સીમકાર્ડ કંપનીમાંથી બોલતા હોવાનો દાવો કરી પરિવારના સભ્યોના નંબરોની વિગતો મેળવી હતી. 15મી જુલાઈના રોજ પ્રમીલાબહેન, તેની પુત્રી અને પતિના ત્રણ મોબાઈલ નંબર પોર્ટ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જોકે, સીમકાર્ડ એક્ટિવેટ થયા બાદ નેટવર્કનો પ્રોબ્લેમ ઊભો થતાં પરિવારે કંપનીની એપ અને સંબંધિત વ્યક્તિને ફરિયાદ કરી હતી.

દરમિયાન 26મી જુલાઈએ પ્રમીલાબહેનને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેવાળા વ્યક્તિએ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી નેટવર્કની સમસ્યાના ઉકેલ માટે ઇ-સીમ (eSIM) એક્ટિવેટ કરવાનું સૂચન કર્યું હતું. ઠગે પ્રમીલાબહેનને મોબાઈલ એપમાં પ્રોસેસ કરાવી EID નંબર જનરેટ કરાવ્યો હતો અને સિસ્ટમમાં દેખાતો હોવાનું કહી એપમાં લખાવ્યો હતો. ત્યારબાદ OTP મેળવીને આરોપીએ મહિલાનું ઇ-સીમ પોતાના ડિવાઈસમાં એક્ટિવેટ કરી લીધું હતું.

પ્રક્રિયા પૂરી થતાં જ પ્રમીલાબહેનનો ફોન બંધ થઈ ગયો હતો. મોબાઈલ સીમકાર્ડ ચાલુ ન થતાં પરિવારે સ્ટોર પર જઈને નવું ફિઝિકલ સીમકાર્ડ મેળવ્યું હતું. ત્યારબાદ ચોથી ઓગસ્ટના રોજ પ્રમીલાબહેન બૅંક ટ્રાન્ઝેક્શન માટે સ્ટેટમેન્ટ કઢાવતાં તેમના એકાઉન્ટમાંથી ફોન પે મારફતે ૯૯,૯૦૦ રૂપિયા અન્ય બૅંક ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. સાયબર ફ્રોડનો ભોગ બન્યાની જાણ થતાં જ ભોગ બનનારે 1930 સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવી છે.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!