નવસારી: વિદેશમાં રહેતા મિત્રના નામે સોશિયલ મીડિયા પર સંપર્ક કરી આર્થિક મદદ માંગવાના બહાને નવસારીના એક યુવક સાથે રૂ.3,12,389ની ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી ચંદ્રશેખર બીંદને ગત 30 ડિસેમ્બરના રોજ તેમના ફેસબુક આઈડી પર ‘શાહનવાબ અહમદ’ નામના આઈડી પરથી મેસેજ મળ્યો હતો. આ વ્યક્તિ ફરિયાદીના ગામની બાજુનો અને હાલ સાઉદી અરેબિયામાં હોવાનું જણાવી વિશ્વાસ કેળવ્યો હતો. ઠગે જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં ભારત આવવાનો છે અને ફરિયાદીના ખાતામાં રૂ.4.35 લાખ ટ્રાન્સફર કરવા માંગે છે. ત્યારબાદ ઠગે ખોટા સ્ક્રીનશોટ મોકલી પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોવાનો ડોળ કર્યો હતો.થોડા સમય બાદ ઠગે જણાવ્યું કે તેની ઉપર પોલીસ કેસ થયો છે અને છૂટવા માટે નાણાંની જરૂર છે. ‘હાજી બિલાલ’ નામના એજન્ટનો સંપર્ક કરાવીને ઠગ ટોળકીએ જુદાજુદા બહાના હેઠળ ફરિયાદી પાસેથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા.
ફરિયાદીએ પોતાના તેમજ મિત્રો અને સંબંધીઓ પાસેથી મદદ લઈને કુલ રૂ.3,12,389 વિવિધ બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડ નંબરોમાં ટ્રાન્સફર કર્યા હતા.જ્યારે ફરિયાદીએ પોતાના વતનમાં તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું કે અસલી શાહનવાબ અહમદે આવા કોઈ મેસેજ કર્યા નથી. પોતે છેતરાયા હોવાનું માલૂમ પડતા તેમણે 1930 હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી. હાલ નવસારી સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

