ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં શરૂ કરાયેલ ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર’ યોજનાના નવા મેનુમાં અનેક વિસંગતતાઓ હોવાના આક્ષેપ સાથે ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા સોનગઢ મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. કર્મચારીઓએ માંગ કરી છે કે જો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ અને બજાર ભાવમાં જમીન-આસમાનનું અંતર છે. શ્રી અન્નના લોટનો બજાર ભાવ રૂ.65 છે, જેની સામે સરકારે માત્ર રૂ.40ની જોગવાઈ કરી છે. તેવી જ રીતે સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3000થી વધુ હોવા છતાં સરકારી જોગવાઈ રૂ.2850ની જ છે. શાકભાજી, લીંબુ અને ધાણાભાજીના ભાવ પણ નિયત દર કરતા બમણા છે, જેના કારણે કેન્દ્ર સંચાલકો પર આર્થિક બોજ વધી રહ્યો છે.
કર્મચારી મંડળના આક્ષેપ મુજબ, અગાઉ વિદ્યાર્થી દીઠ 50 ગ્રામ અલ્પાહાર અપાતો હતો, જે નવા મેનુમાં ઘટાડીને 38 થી 43 ગ્રામ કરી દેવાયો છે. વધુમાં, દક્ષિણ ગુજરાતમાં સિકલસેલનું પ્રમાણ વધુ હોવાથી અઠવાડિયામાં 6 વાર ચોખાનો ઉપયોગ કરવાથી સિકલસેલ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જૂના મેનુમાં રહેલી સુખડી અને ચણા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ હતા. કર્મચારીઓએ માંગણીઓ કરી છે કે, વિદ્યાર્થી દીઠ ખર્ચની જોગવાઈ રૂ.5 થી વધારીને રૂ.7 કરવામાં આવે,છેલ્લા 4 માસથી બંધ રહેલ કઠોળનો જથ્થો ત્વરિત ફાળવવામાં આવે,અનાજ અને ગેસના પરિવહન માટે ટ્રાન્સપોર્ટ અને મજૂરી ખર્ચની ચુકવણી કરવામાં આવે,લઘુત્તમ વેતન કરતા પણ ઓછું વેતન મેળવતા કર્મચારીઓના પગાર વધારાની ફાઈલ સત્વરે મંજૂર કરવામાં આવે.જ્યાં સુધી આ પડતર પ્રશ્નો અને મેનુની ભૂલો સુધારવામાં ન આવે ત્યાં સુધી જૂનું મેનુ જ અમલી રાખવાની માંગ સોનગઢ તાલુકા મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળ દ્વારા કરવામાં આવી છે.

