Explore

Search

April 12, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News : સોનગઢના વડપાડામાં પંચાયત ઘરના બાંધકામ મામલે વિવાદ: TDO અને સરપંચ સામે ગ્રામજનોનો મોરચો

સોનગઢ તાલુકાના વડપાડા પ્ર.ઉમરદા ગામે નવા ગ્રામ પંચાયત ભવનના નિર્માણને લઈને વહીવટી તંત્ર અને ગ્રામજનો સામસામે આવી ગયા છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે સરપંચના અંગત સ્વાર્થ ખાતર કાયદેસરની જગ્યાને બદલે પશુઓ માટેની અનામત ‘ગૌચર’ જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા નવા પંચાયત ઘર માટે ગામતળની ખુલ્લી જમીન (સર્વે નં. 101) મંજૂર કરવામાં આવી હતી, જે અંગે 12 ઓગસ્ટ 2025ની ગ્રામસભામાં પણ સર્વાનુમતે ઠરાવ થયો હતો. જોકે, વર્તમાન સરપંચ જૂની પંચાયત જ્યાં આવેલી છે તે ગૌચર જમીન પર જ નવું બાંધકામ કરવા મક્કમ છે. મહત્વની વાત એ છે કે ગૌચર જમીન પર પાકું બાંધકામ કરવું એ ગુજરાત ભૂરાજસ્વ સંહિતા અને પંચાયત નિયમો મુજબ ગેરકાયદેસર છે.

આ મામલે નિવાસી અધિક કલેક્ટર દ્વારા 25 માર્ચ 2026ના રોજ સ્પષ્ટ ઠરાવ કરવામાં આવ્યો હતો કે પ્રથમ સર્વે નં. 101ની ચકાસણી કરવી અને ત્યારબાદ જ આગળ વધવું. પરંતુ ગ્રામજનોનો આક્ષેપ છે કે તાલુકા વિકાસ અધિકારી સોનગઢે ઉચ્ચ અધિકારીના આદેશના પ્રથમ ભાગની અવગણના કરી માત્ર જૂની જગ્યાએ બાંધકામ શરૂ કરવાનો પક્ષપાતી નિર્ણય લીધો છે.ગામના લોકોએ ભેગા મળી જિલ્લા કલેક્ટર, તાપીને લેખિત આવેદન પત્ર પાઠવી ગૌચર જમીન પર ચાલી રહેલું ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક અટકાવવામાં આવે,ગામતળની મંજૂર થયેલી જગ્યા (સર્વે નં.101) પર જ પંચાયત ઘર બનાવવામાં આવે,નિયમોનું ઉલ્લંઘન કરનાર સરપંચ અને TDO સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવે સાથે જ વિવિધ માંગણીઓ સાથે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ગૌચર જમીન પર બાંધકામ થશે તો ભવિષ્યમાં આ મામલે કાયદાકીય ગૂંચ ઉભી થશે અને સરકારી નાણાંનો દુરુપયોગ થશે.

Advertisement
error: Content is protected !!