Explore

Search

June 27, 2026

Contact us -7820092500

IAS Coaching

કામરેજના માંકણાગામથી ટ્રેક્ટર-ટ્રોલી ચોરનાર શખ્સ મધ્યપ્રદેશથી ઝડપાયો

કામરેજ તાલુકાના માંકણાગામના એક ઘરના આંગણામાંથી ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરી કરનાર રીઢા ગુનેગારને સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી પ્રમાણે ગત તા.૨૫ માર્ચના રોજ માંકણાગામના પટેલ ફળીયામાં રહેતા એક ખેડૂતના આંગણામાંથી રૂ.૩.૯૫ લાખની કિંમતનું મહિન્દ્રા ટ્રેક્ટર અને ટ્રોલી ચોરાયા હતા. આ મામલે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના મુજબ એલ.સી.બી. અને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ કરતા બાતમી મળી હતી કે આ ચોરી દિલીપ કિરાડ નામના શખ્સે કરી છે અને તે મુદ્દામાલ સાથે પોતાના વતન મધ્યપ્રદેશ નાસી ગયો છે.પોલીસે તાત્કાલિક મધ્યપ્રદેશ પહોંચી આરોપી દિલીપ ગુજા કિરાડ (રહે.અલીરાજપુર, મૂળ રહે.કડોદરા) ને દબોચી લીધો હતો.પોલીસે ચોરીનું ટ્રેક્ટર, ટ્રોલી અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી વેગન-આર કાર મળી કુલ રૂ. ૪,૪૫,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે પોતાના સાળા સાથે મળીને પહેલા રેકી કરી હતી અને ત્યારબાદ કાર લઈને ચોરી કરવા આવ્યા હતા.આ કેસમાં પોલીસે ઇલુ છગન ઓહરીયા નામના અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!