નવસારી: ગણદેવી તાલુકાના ગણદેવા ચાર રસ્તા પાસે રવિવારે સાંજે અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક હાઇવા ટ્રકના ચાલકે રોડ ક્રોસ કરી રહેલા મોટરસાયકલ સવાર આધેડને અડફેટમાં લેતા તેમને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો.
મળતી વિગત મુજબ, ગણદેવા ગામના હરીપુરા ફળીયામાં રહેતા 50 વર્ષીય ભરતભાઈ રમણભાઈ આહીર (જેઓ ઇંટના ભઠ્ઠામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના કાકા ભીખુભાઈ આહીર રવિવારે સાંજે પોતાની પ્લેઝર મોટરસાયકલ નંબર GJ-21-BB-7885 લઈને ગણદેવા ચાર રસ્તાથી ગામ તરફ જવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે ટાંકલ તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક હાઇવા ટ્રક નંબર GJ-21-Y-7676 ના ચાલકે ભીખુભાઈની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે ભીખુભાઈ રોડ પર પટકાતા તેમને કપાળ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક પોતાની ટ્રક સાથે ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો.
ઇજાગ્રસ્ત ભીખુભાઈને તાત્કાલિક ખારેલની સાર્વજનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે નવસારીની નિરાલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમની હાલત ગંભીર હોવાનું અને તેઓ બેભાન અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું છે.ગણદેવી પોલીસે આ મામલે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

