સુરત ગ્રામ્ય એલ.સી.બી એ પલસાણા તાલુકાના દસ્તાન ગામની સીમમાં નેશનલ એક્સપ્રેસ-વે પર વોચ ગોઠવી પોલીસે એક કન્ટેનરમાંથી ૫૧ હજારથી વધુ દારૂની બાટલીઓ સહિત કુલ રૂ.૯૨.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સુરત ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમો પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ગોવા તરફથી એક ટાટા કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ચાલક મુંબઈ-વાપી થઈ પલસાણાથી વડોદરા તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે પલસાણાના દસ્તાન ગામ પાસે એક્સપ્રેસ-વે નંબર-૪ પર પોલીસે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ કન્ટેનર આવતા જ પોલીસે તેને આંતર્યું હતું. પોલીસ તપાસમાં કન્ટેનરનું સીલ તોડી અંદર જોતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અંદર અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૫૧,૫૦૪ બાટલીઓ મળી આવી હતી, જેની કિંમત રૂ.૭૭,૨૫,૬૦૦/- થાય છે. પોલીસે વિદેશી દારૂ, કન્ટેનર સહિત કુલ રૂપિયા રૂ.૯૨.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા કન્ટેનર ચાલક સુનીલ છોગારામજી બિશ્નોઇ (રહે.જોધપુર, રાજસ્થાન) ની કડક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો કર્નાટક રાજ્યમાંથી ભરાવીને ગુજરાતના ગોધરા સુધી પહોંચાડવાનો હતો. આ ગુનામાં રાજસ્થાનના રમેશ ચૌધરી (દારૂ ભરાવનાર), કન્ટેનર માલિક અને ગોધરામાં જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સોને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

