સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે આવેલી GMDC કંપનીમાં રસોઈયા તરીકે કામ કરતા એક શ્રમિકની તેના જ શેઠ દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પગાર અને રજાની માંગણી કરવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા શેઠે લોખંડના સળીયા કે લાકડાના ફટકા વડે હુમલો કરી શ્રમિકને મોતને ઘાટ ઉતાર્યો હતો.
વિગતો અનુસાર મૂળ છત્તીસગઢના અને હાલ તડકેશ્વર ખાતે દુર્ગા ઇન્ફ્રામાઇનીંગ પ્રા.લી.ની કેન્ટિનમાં રસોઈકામ કરતા વિક્કી દૌલતરામ ચૌહાણ (ઉ.વ.૩૪) એ ગત તા.૧૭/૦૩/૨૦૨૬ ના રોજ તેના શેઠ માનાભાઈ ભીખાભાઈ મહેતા પાસે પોતાના બાકી પગાર અને વતન જવા માટે રજાની માંગણી કરી હતી. આ માંગણીથી ઉશ્કેરાઈને માનાભાઈએ વિક્કીને માથા તેમજ શરીરના ભાગે બોથડ પદાર્થ કે લોખંડના સળીયા વડે ગંભીર માર માર્યો હતો.હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા વિક્કીને કડોદરાની સંજીવની હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આરોપી શેઠે મૃતકના પત્ની રાધાબેનને ફોન કરી માત્ર એટલું જ જણાવ્યું હતું કે વિક્કીની તબીયત ખરાબ છે અને તે હોસ્પિટલમાં દાખલ છે. જોકે, શંકા જતા પરિવારજનો છત્તીસગઢથી માંડવી દોડી આવ્યા હતા. પીએમ રિપોર્ટમાં મૃતકનું મોત માથામાં હેમરેજ થવાને કારણે થયું હોવાનું અને શરીર પર મારના નિશાન હોવાનું બહાર આવ્યું હતું. મૃતકની પત્ની રાધાબેન ચૌહાણની ફરિયાદના આધારે માંડવી પોલીસે આરોપી માનાભાઈ ભીખાભાઈ મહેતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

