વલસાડ રૂરલ પોલીસ અને LCB ની ટીમે આજે નેશનલ હાઈવે નંબર 48 પર ફિલ્મી ઢબે વોચ ગોઠવીને વિદેશી દારૂની હેરાફેરી કરતા બે કાર ચાલકોને ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહીમાં લાખોની કિંમતનો વિદેશી દારૂ અને બે લક્ઝરી કાર મળી કુલ રૂ.૧૨,૩૬,૨૮૮/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે વલસાડ LCB પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ રંગની મારૂતિ અર્ટીગા કારમાં દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જવામાં આવી રહ્યો છે. પોલીસે ધમડાચી પીરૂ ફળીયા પાસે વોચ ગોઠવી કારને અટકાવી હતી.દરમિયાન પકડાયેલ આરોપી સતિષભાઈ ધનસુખભાઈ પટેલ (રહે.ઈશનપોર,તા.ઓલપાડ,જી.સુરત)ની કારમાંથી રોયલ સ્ટેગ, ઓલ સીઝન, પીટર સ્કોચ અને બડવાઈઝર બિયર સહિત કુલ ૪૨૯ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.જયારે આ જથ્થો આપનાર નાની દમણનો ‘અભી’ નામનો શખ્સ વોન્ટેડ જાહેર કરાયો છે.
બીજી એક કાર્યવાહીમાં પારનેરા ચન્દ્રમૌલેશ્વર મહાદેવ મંદિર સામેથી ગોલ્ડન રંગની હોન્ડા સિટી કારને અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન કારની પાછળની સીટ નીચે બનાવેલા ગુપ્ત ખાના (ચોરખાના) માંથી મોંઘી બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો.આ મામલે પકડાયેલ આરોપી ભરતભાઈ નારણભાઈ પટેલ (રહે.મીરા રોડ, મહારાષ્ટ્ર; મૂળ રહે.તાલાલા, જૂનાગઢ)ના કબજામાંથી મેકલેન ૧૨ યર્સ ઓલ્ડ સિંગલ માલ્ટ અને ગ્લેનલિવેટ જેવી મોંઘી બ્રાન્ડની ૧૭ બોટલો જપ્ત કરવામાં આવી છે.આ આરોપી મહારાષ્ટ્રના મીરા રોડથી આ દારૂ ખરીદીને રાજકોટ ખાતે કમલેશ અને નિરજ નામના શખ્સોને આપવા જતો હતો.વલસાડ રૂરલ પોલીસે બંને કિસ્સામાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલ વાહનો, મોબાઈલ ફોન અને દારૂનો જથ્થો કાયદેસર રીતે કબજે કરવામાં આવ્યો છે.

