નવસારી શહેરના રેલ્વે સ્ટેશન અને જલલાપોર ફાટક વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી આ દારૂનો જથ્થો દમણથી લાવ્યો હોવાની કબૂલાત કરી છે.
મળતી માહિતી અનુસાર નવસારી ટાઉન પોલીસ મથકના કર્મચારીઓને બાતમી મળી હતી કે એક ઈસમ રેલ્વે સ્ટેશન પાસે દારૂની હેરાફેરી કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે રેલ્વે સ્ટેશન ટિકિટ બારી પાસે તપાસ કરતા, એક શખ્સ કાળા કલરનો થેલો લઈને શંકાસ્પદ હાલતમાં જણાતા તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જોઈને આ ઈસમ જલલાપોર ફાટક તરફ ભાગ્યો હતો, પરંતુ પોલીસે પીછો કરીને તેને આર.જે.ડી મોલની સામે જાહેર રોડ પર ઝડપી લીધો હતો.પોલીસે આરોપીની બેગની તલાશી લેતા તેમાંથી રોયલ ચેલેન્જ વ્હીસ્કી, 8 PM બ્લુ ડીલક્ષ વ્હીસ્કી મળી કુલ 24 નંગ બોટલ/પાઉચ જેની કુલ કિંમત રૂ. 7,068/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. ઝડપાયેલા આરોપીનું નામ વિરેન્દ્રભાઈ રામાનંદ રાજભર (રહે. ગીતાનગર ટાંકી ફળીયા, વાપી, જી. વલસાડ) હોવાનું સામે આવ્યું છે. આરોપીએ જણાવ્યું હતું કે તે દમણથી કોઈ અજાણ્યા શખ્સ પાસેથી દારૂ લાવ્યો હતો અને નવસારીમાં તેનું છૂટક વેચાણ કરવાનો હતો.

