સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના પીપોદરા ગામ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજપીપળા-સુરત રૂટની સરકારી એસ.ટી. બસમાં મુસાફરો પાસે બળજબરીથી નાણાં ઉઘરાવતી એક કિન્નરે 70 વર્ષીય નિવૃત્ત એસ.ટી. કંડક્ટર પર હુમલો કરી ચાર થપ્પડ મારી દીધી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી પ્રમાણે મૂળ ભરૂચના પિછવાડા ગામના વતની અને નિવૃત્ત એસ.ટી. કંડક્ટર રાજેન્દ્રસિંહ વજેસિંહ અટોદરિયા (ઉ.વ.70) ગત મંગળવારના રોજ સવારે રાજપીપળા-સુરત બસ નંબર GJ-18-Z-8152 માં બેસીને સુરત જઈ રહ્યા હતા. સવારે અંદાજે 10:30 વાગ્યાના સુમારે કીમ ચાર રસ્તા પાસે બસ ઉભી હતી ત્યારે ‘આરજુમાસી’ નામની એક કિન્નર બસમાં ચઢી હતી અને મુસાફરો પાસે નાણાંની માંગણી કરવા લાગી હતી. ફરિયાદી રાજેન્દ્રસિંહે કિન્નરને 50 રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ કિન્નરે પાછળની સીટમાં બેઠેલા મુસાફરો પાસે પૈસા માંગતા, તેઓએ 20 રૂપિયા આપ્યા હતા. માત્ર 20 રૂપિયા આપતા કિન્નર ઉશ્કેરાઈ ગઈ હતી અને બિભત્સ ગાળો આપી વધુ પૈસા માટે દબાણ કરવા લાગી હતી. જ્યારે રાજેન્દ્રસિંહે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે “જે મળે તે લઈ લો”, ત્યારે તે વધુ રોષે ભરાઈ હતી.
આરજુમાસી નામની આ કિન્નરે વૃદ્ધ રાજેન્દ્રસિંહના શર્ટનો કોલર પકડી લીધો હતો અને જાહેરમાં તેમને ચાર થપ્પડ મારી દીધી હતી. બસના અન્ય મુસાફરોએ વચ્ચે પડી વૃદ્ધને છોડાવ્યા હતા. બનાવ અંગે તાત્કાલિક 112 પર કોલ કરી પોલીસને જાણ કરવામાં આવતા પાલોદ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને કિન્નરને પોલીસ ચોકીએ લઈ જવામાં આવી હતી. પોલીસે આ મામલે આરજુમાસી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

