Explore

Search

March 12, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News : ‘DHANI FINANCE’ ના નામે લોન આપવાના બહાને છેતરપિંડી, આહવાના યુવાને ૧૦ હજાર રૂપિયા ગુમાવ્યા

સોશિયલ મીડિયા પર સસ્તી લોનની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ વધુ સક્રિય થઈ છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પીપલ્યામાળ ગામના એક આદિવાસી યુવાનને ઇન્સ્ટાગ્રામ પર લોનની જાહેરાત જોવી ભારે પડી છે. ભેજાબાજોએ ‘DHANI FINANCE’ ના નામે લોન મંજૂર કરવાનું બહાનું ધરી યુવાન પાસેથી અલગ-અલગ ચાર્જ પેટે કુલ રૂ. ૧૦,૫૯૫ પડાવી લઈ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ આહવા પોલીસ મથકે નોંધાઈ છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પીપલ્યામાળ ગામે રહેતા અને મજૂરી કામ કરતા શંકરભાઇ સુરેશભાઇ ભોયે ગત ૧૫ જાન્યુઆરીના રોજ પોતાના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ જોઈ રહ્યા હતા. તે દરમિયાન તેમને ‘DHANI FINANCE’ ની એક લોન માટેની જાહેરાત જોઈ લિંક ઓપન કરી હતી. ત્યારબાદ સામેથી અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને લોન આપવા માટે ડોક્યુમેન્ટ્સની માંગણી કરી હતી. ફરિયાદીએ વિશ્વાસ રાખી પોતાની માતાના પાનકાર્ડ અને આધારકાર્ડ સહિતની વિગતો વોટ્સઅપ પર મોકલી આપી હતી. ભેજાબાજોએ યુવાનને ખોટો લોન એપ્રુવલ લેટર મોકલી વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ લોન પ્રોસેસ કરવા માટે ફાઈલ ચાર્જના રૂ.૧,૯૪૫/- QR કોડ મારફતે ભરાવ્યા હતા. એટલું જ નહીં, ત્યારબાદ ‘તમારો લોનનો ચેક તૈયાર છે’ તેમ કહી વેરીફિકેશનના નામે વધુ એક કોલ આવ્યો હતો અને TDS ચાર્જ પેટે રૂ.૮,૬૫૦/- ‘DHANI FINANCE’ ના નામે જણાવેલ બેંક ઓફ બરોડાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. કુલ રૂ. ૧૦,૫૯૫/- ચૂકવ્યા બાદ પણ ભેજાબાજોએ ‘તમે ખોટું પેમેન્ટ કર્યું છે, ફરીથી રૂ.૮,૬૫૦/- ભરો’ તેવી માંગણી ચાલુ રાખતા ફરિયાદી યુવાનને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. આ અંગે યુવાને તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આહવા પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!