Explore

Search

May 11, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News Tapi: તાપી જિલ્લામાં હોલિકા દહન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી: સોનગઢની દસેરા કોલોની સહિત પંથકમાં ‘હોળી પ્રગટી’

તાપી જિલ્લામાં આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતીક સમાન હોળીના પર્વની પરંપરાગત શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના મુખ્ય મથક વ્યારા સહિત સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુન્ડા, વાલોડ અને ડોલવણ તાલુકાઓમાં ઠેર-ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા.

સોનગઢ નગરના દસેરા કોલોની વિસ્તારમાં સ્થાનિક રહીશો દ્વારા ભવ્ય હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કર્યા બાદ હોલિકા દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને હોળીની પ્રદક્ષિણા કરી શ્રીફળ તથા ધાણી-મમરાની આહુતિ આપી સુખ-શાંતિની પ્રાર્થના કરી હતી.સમગ્ર તાપી જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય જોવા મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ લોકોએ હોળીના ગીતો અને નૃત્યો સાથે વાતાવરણને જીવંત રાખ્યું હતું.ઠેર-ઠેર લોકોએ હોળી માતા પાસે સારી ખેતી અને સમૃદ્ધિની માનતા માની હતી.

હોળીના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.હોલિકા દહન બાદ યુવાનો અને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સોનગઢ અને વ્યારાની વિવિધ સોસાયટીઓમાં હોળીની પ્રદક્ષિણા બાદ લોકોએ એકબીજાને તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી. હવે આવતીકાલે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી માટે સમગ્ર તાપી જિલ્લો રંગાયેલો જોવા મળશે.

Advertisement
error: Content is protected !!