સુબીર તાલુકાના ઢોંગીઆંબા ગામે ધોળા દિવસે બાઇક ચોરીની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. દુકાનના બાકડા પર મોટરસાયકલ મૂકીને માલિકને ઉંઘ આવી જતાં, અજાણ્યો તસ્કર તેની નજર સામેથી જ બાઇક હંકારી ગયો હતો. આ મામલે સુબીર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે ઇસખંડી ગામના ચાવડી ફળીયામાં રહેતા હળદરાવભાઇ અવસ્યાભાઇ પવાર (ઉં.વ. ૩૮) ગત ૨૦ ફેબ્રુઆરીના રોજ પોતાની હિરો સ્પલેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર જીજે/૩૦/એફ/૬૯૬૧ લઇને કામ અર્થે ઢોંગીઆંબા ગામે આવ્યા હતા. બપોરના આશરે ૧૨:૦૦ વાગ્યાના સુમારે તેમણે ગામની શાળા પાસે આવેલી વિપુલભાઇ વળવીની દુકાન પાસે પોતાની બાઇક ઉભી રાખી હતી. ચાવી બાઇકમાં જ હોવા છતાં, હળદરાવભાઇ દુકાનના બાકડા પર બેઠા હતા જ્યાં તેમને અચાનક ઉંઘ આવી ગયેલ. ચાર કલાક બાદ એટલે કે સાંજે ૪:૦૦ વાગ્યે જ્યારે તેમની આંખ ખુલી, ત્યારે તે જગ્યાએથી મોટરસાયકલ ગાયબ હોવાનું જણાયું હતું. ભોગ બનનારે આસપાસના વિસ્તારમાં અને પોતાના સગા-સંબંધીઓમાં પાંચ-છ દિવસ સુધી તપાસ કરી હતી. અંતે મોટરસાયકલનો કોઇ પત્તો ન લાગતા, તેમણે અજાણ્યા ચોર ઇસમ વિરૂદ્ધ સુબીર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

