નિઝરના વ્યાવલ ગામે અજાણ્યા તસ્કરોએ એક બંધ ઘરને નિશાન બનાવી અંદાજે રૂ.૧.૪૦ લાખની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા છે. મળતી વિગતો અનુસાર નિઝર તાલુકાના વ્યાવલ ગામના આદિવાસી ફળિયામાં રહેતા આકાશભાઈ રઘુનાથભાઈ કુંવર ગત ૧૧ ફેબ્રુઆરીના રોજ સાંજે ૫:૦૦ વાગ્યાના સુમારે પરિવાર સાથે ગામમાં જ એક લગ્ન પ્રસંગમાં ગયા હતા.
આ દરમિયાન તેમનું ઘર બંધ હતું, જેનો લાભ ઉઠાવી અજાણ્યા ચોરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે પરિવાર રાત્રે ૬:૦૦ વાગ્યાની આસપાસ પરત ફર્યો ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તપાસ કરતા માલુમ પડ્યું કે તસ્કરોએ લોખંડના કબાટનું લોકર તોડીને ચાંદીના ઘરેણા આશરે ૧ કિલો અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧.૪૦ લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ફરિયાદી લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હોવાથી અને પોતાની રીતે તપાસ કરી રહ્યા હોવાથી ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો. અંતે ૧૫ ફેબ્રુઆરીના રોજ નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

